વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં રાખવામાં આવેલી તમામ વસ્તુઓના શુભ અને અશુભ સ્થાનો જણાવવામાં આવ્યા છે. કારણ કે તેમની સીધી અસર આપણા જીવન પર પડે છે. વાસ્તુ અનુસાર જો ઘરમાં નાના નાના ફેરફારો કરવામાં આવે તો માનસિક શાંતિ રહે છે. સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આર્થિક સંકટમાંથી મુક્તિ, દામ્પત્ય જીવનમાં પ્રેમ અને ઘરમાં સુખ-શાંતિ માટે ઘરમાં દેવી-દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરવાનું શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે. પરંતુ તેમની પ્રતિમા લગાવવાના પણ નિયમો છે. રાધા-કૃષ્ણને અમર પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. ઘરમાં તેમની તસવીર રાખવાથી લગ્નજીવન સુખી બને છે. આવો જાણીએ ઘરમાં રાધા-કૃષ્ણની તસવીર ક્યાં લગાવવી જોઈએ અને કઈ-કઈ સાવધાની રાખવી જોઈએ.
ગર્ભવતી સ્ત્રીના રૂમમાં શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની તસવીર લગાવવી જોઈએ. કૃષ્ણના બાળ સ્વરૂપનું ચિત્ર ગર્ભવતી સ્ત્રીના મનને ખુશ રાખે છે. નકારાત્મક વિચારો ને દૂર કરે છે. એવું માનવામાં આવે છે કે ગર્ભાવસ્થા દરમિયાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપને જોવાથી પણ બાળક પર સકારાત્મક અસર પડે છે.
જો કે બેડરૂમમાં ભગવાનની તસવીર લગાવવી યોગ્ય નથી માનવામાં આવતી પરંતુ જો વાત રાધા-કૃષ્ણની તસવીરની હોય તો તેને બેડરૂમમાં લગાવી શકાય છે. કારણ કે તેમને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. બેડરૂમમાં તેમની તસવીર લગાવવાથી દાંપત્ય જીવનમાં મધુરતા આવે છે. પતિ-પત્ની વચ્ચે તણાવ ઘટે છે. વિશ્વાસ અને પ્રેમ વધે છે.
આ દિશા તરફ ચિત્ર લગાવવું ફાયદાકારક
- બેડરૂમમાં રાધા-કૃષ્ણનું ચિત્ર ઉત્તર-પૂર્વ દિશામાં રાખવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. બીજી તરફ જો બેડરૂમમાં અટેચ્ડ બાથરૂમ હોય તો બાથરૂમની દિવાલ પર તસવીર ન હોવી જોઈએ.
- જો તમે બેડરૂમમાં રાધા-કૃષ્ણનો ફોટો લગાવો છો તો અહીં તેમની પૂજા ન કરો.રાધા-કૃષ્ણ સહિત કોઈપણ ભગવાનની પૂજા માટે તમારે મંદિર અથવા પૂજા સ્થળ પસંદ કરવું જોઈએ.
- જો તમે બેડરૂમમાં રાધા-કૃષ્ણની તસવીર લગાવી રહ્યા છો તો ધ્યાન રાખો કે તેમાં કોઈ અન્ય દેવી-દેવતા કે ગોપીઓ ન હોવી જોઈએ.
- જો તમે કૃષ્ણના બાળ સ્વરૂપનું ચિત્ર લગાવતા હોવ તો તેને પૂર્વ દિશામાં જ લગાવો. પરંતુ ધ્યાન રાખો કે તસવીરની દિશામાં તમારા પગ રાખીને ન સુવો
- ઘરની ઉત્તર દિશામાં ભગવાન કૃષ્ણનો ફોટો લગાવો જેમાં તેઓ અર્જુનને ગીતાનો ઉપદેશ આપી રહ્યા હોય. તેનાથી નોકરી દરમિયાન આવતી સમસ્યાઓ દૂર થશે.