Nirjala Ekadashi 2024: વર્ષ દરમિયાન 12 એકાદશી આવે છે. હિન્દુ ધર્મમાં એકાદશીના વ્રતને વિશેષ ગણવામાં આવ્યું છે. દર મહિનાના શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષમાં એક એકાદશી આવે છે. એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. વર્ષ દરમિયાન જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને નિર્જળા એકાદશી કહેવાય છે. નિર્જળા એકાદશીનું વ્રત ખૂબ જ પુણ્યશાળી ગણાય છે. આ એકાદશી ને ભીમસેની એકાદશી પણ કહેવાય છે. આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું અને વ્રત કરવાનું વિધાન છે. કોઈપણ એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો ભગવાન વિષ્ણુ ભક્તની મનોકામના પૂર્ણ કરે છે. પરંતુ જો કોઈ કારણોસર વર્ષ દરમિયાન એક પણ એકાદશી કરી ન શકાય તો નિર્જળા એકાદશીનું વ્રત કરી લેવાથી આખા વર્ષની અગિયારસ કરવાનું પુણ્ય મળે છે. તો ચાલો તમને જણાવીએ અતિ પુણ્યશાળી નિર્જળા એકાદશી આ વર્ષે કઈ તારીખે ઉજવાશે.
નિર્જળા એકાદશીનું મહત્વ
બધી જ એકાદશીમાં નિર્જળા એકાદશીનું વિશેષ મહત્વ છે. નિર્જળા એકાદશીમાં નિર્જળ એટલે કે પાણી પણ ગ્રહણ કરવાનું હોતું નથી. કહેવાય છે કે જે વ્યક્તિ વર્ષની કોઈપણ એકાદશી કરી ન શકે તેણે આ એક વ્રત કરી લેવું જોઈએ. આ એક એકાદશી કરી લેવાથી 12 એકાદશી કર્યાનો પુણ્ય મળે છે. જોકે નિર્જળા એકાદશીનું વ્રત કરવું ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે આ એકાદશીમાં અન્ન, ફળ કે જળ કંઈ પણ ગ્રહણ કરી શકાતું નથી. પરંતુ શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે વ્યક્તિ આ કઠોળ વ્રત કરે છે તે બધા જ પાપથી મુક્ત થઈ જાય છે અને શ્રી હરિ ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરે છે.
નિર્જળા એકાદશી 2024 નું શુભ મુહૂર્ત
જેઠ મહિનાના શુક્લપક્ષની નિર્જળા એકાદશીનો પ્રારંભ 17 જુને સવારે 4 કલાક અને 43 મિનિટથી થશે. એકાદશી ની સમાપ્તિ 18 જૂને સવારે 7 કલાક અને 28 મિનિટે થશે. ઉદયા તિથિ અનુસાર નિર્જળા એકાદશી 18 જુને ઉજવાશે. નિર્જળા એકાદશીનું વ્રત જે વ્યક્તિ કરે તેણે 19 જૂને સવારે 5 કલાક અને 24 મિનિટથી 7 કલાક અને 28 મિનિટ વચ્ચે પારણા કરવાના રહેશે.
નિર્જળા એકાદશીની પૂજા વિધિ
નિર્જળા એકાદશીના દિવસે સવારે સૂર્યોદય પહેલા જાગી જવું અને સ્નાનાદી કર્મ કરી ભગવાન વિષ્ણુને સ્મરણ કરી એકાદશી કરવાનો સંકલ્પ લેવો. ત્યાર પછી ભગવાન વિષ્ણુની વિધિપૂર્વક પૂજા કરવી. પૂજામાં ભગવાન વિષ્ણુને ફૂલ પીળું, ચંદન, ચોખા ચડાવી અને ભોગ ધરાવવો. ત્યાર પછી વિષ્ણુ મંત્રનો જાપ કરવો. આ દિવસે વિષ્ણુ સહસ્ત્રનામ અને એકાદશીની કથાનું વાંચન પણ કરી શકાય છે. વિષ્ણુ સહસ્ત્ર નામ અને મંત્ર જાપ કર્યા પછી ભગવાનની આરતી ઉતારો અને પ્રસાદ પરિવારમાં વહેંચીને પોતે ગ્રહણ કરો.
વિષ્ણુ મંત્ર
નિર્જળા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના મંત્ર “ઓમ નમો ભગવતે વાસુદેવાય” મંત્રનો જાપ કરવો જોઈએ. આ સિવાય એકાદશીના દિવસે ગરીબોને અને જરૂરીયાત મંદોને યથાશક્તિ કપડા, ભોજન વગેરેનું દાન કરવું.