હિન્દુ શાસ્ત્રમાં મહા નવરાત્રીના ભવ્ય તેમજ રંગબેરંગી તહેવારના મૂળ અને મહત્વ વિશે અનેક દંતકથાઅો પ્રચલિત છે પણ સૌથી વધુ પ્રચલિત કથા અેવી છે કે ભક્તો દુર્ગા માતાની સાધના અને અારાધના કરે છે. પહેલા દિવસથી જ અા તહેવાર દેશ ઉપરાંત વિદેશમાં પણ રંગેચંગે ઉજવાય છે. ગુજરાતમાં નવલાં નોરતાંમાં સંગીતના તાલ અને મા જગદંબાના ગરબા સાથે યુવક-યુવતીઓ, નાના, મોટા સૌ કોઈ મન મુકીને ગરબે ઘુમે છે. ગરબાના સ્થળે મા દુર્ગાની મૂર્તિ કેન્દ્રમાં રાખવામાં અાવે છે અને રંગબેરંગી ચણીયા ચોળી અને ધોતી કુર્તામાં સજ્જ ખૈલેયાઅો મન મૂકીને ગરબે ઘુમીને માતાની ભક્તિમાં અોતપ્રોત થઇ જાય છે. નવરાત્રીનો તહેવાર માત્ર ગુજરાત કે ભારત માટે સીમિત ના રહેતા વિશ્વભરમાં જ્યાં પણ ભારતીયો વસે છે ત્યાં રંગેચંગે ઉજવાય છે. મા દુર્ગાના નવ રૂપ છે અને નવ દિવસમાં દરેક રૂપની અારાધના અને ઉપાસના કરવામાં અાવે છે……..
નવરાત્રિનાં પ્રથમ દિવસે નવદુર્ગાનું ‘‘શૈલ પુત્રી’’ રૂપની પૂજા-આરાધના થાય છે. શૈલ એટલે પર્વત. અને આ પર્વત પુત્રી એટલેમા દુર્ગાનું પ્રથમ રૂપ‘‘શૈલપુત્રી’’ જે પાર્વતી તેમજ હેમવતી રૂપે પણ પ્રસિદ્ધ છે. માર્કંડેયપુરાણમાં આ હિમાલય પુત્રી શૈલપુત્રીને પ્રથમ સ્થાન આપ્યું છે. હિમાલયની જેમ સૌથી ઊંચાઈએ આપણા શરીરમાં આવેલા મનની જ્યોતિ ચંદ્રમાની શીતળતા છે. તેવા આપણા મનમાં સાત્વિક વિચાર આવે અને તે પ્રાપ્ત કરાવી દે તેવી શૈલપુત્રી છે.પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી રૂપે અવતરીત મા શૈલપુત્રી, વૃષભ પર બિરાજીત છે જેના જમણાં હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ શોભાયમાન છે. આ નવદુર્ગાઓની પ્રથમ નવદુર્ગા છે……આસો સુદ-૧ના રોજ આ સ્વરૃપની ઉપાસના થાય છે. આ પ્રથમ દિવસની ઉપાસનામાં યોગીઓ પોતાના મનને મુલાધારચક્રમાં સ્થિત કરે છે. જ્યાંથી યોગસાધનાનો આરંભ થાય છે.