એક એવો સમય હતો જ્યારે મેરેજ બ્યુરો નહોતા, જ્ઞાતિના પરિચય મેળા નહોતા થતા, લગ્ન વિષયક જાહેરાતો આપવાની પ્રથા પણ ન હતી, આ ઉપરાંત કન્યાને પોતાની રીતે જીવનસાથી પસંદ કરવાનો અધિકાર પણ નહોતો, વડીલો નક્કી કરે એ પાત્ર સાથે પરણી જવું પડતું હતું. તે સમયે શ્રેષ્ઠ વર મળે એ આશયથી બાલિકાઓ ગૌરી વ્રત અને યુવતીઓ જયા પાર્વતી, ફૂલકાજળી જેવાં વ્રતો આસ્થાપૂર્વક કરતી. ગુજરાતમાં આપણી પરંપરા મુજબ જેઠ, અષાઢ, શ્રાવણ અને ભાદરવા મહિનામાં સ્ત્રીઓનાં વ્રતો આવે. આવાં વ્રતોને ધાર્મિકતા અને શ્રદ્ધા સાથે તો સીધો સંબંધ છે જ પણ વાસ્તવમાં તો કન્યાઓ માટે સાસરિયે જતાં પહેલાંની આ ટ્રેનિંગ કે ઇન્ટર્નશિપ ગણાય! પિતૃગૃહે કોઈપણ દીકરી ખૂબ લાડકોડમાં ઉછરી હોય પણ સાસરિયામાં દરરોજ સમયસર જમવા ન પણ મળે, સ્વાદનો ફરક પડી જાય એવું પણ બને.
આખો દિવસ ને અડધી રાત કામ કરવું પડે એટલે સાસરિયે જતાં પહેલાં સ્વાદેન્દ્રિય અને આરામપ્રિયતા પર કાબૂ મેળવવાના વર્કશોપ એટલે આ બધાં વ્રતો! વ્રત કરવાથી ગૌરી માતા રીઝતાં હશે કે કેમ એ તો ખબર નથી, પણ કન્યાઓને મોળું ખાવાની, ભૂખ્યા રહેવાની, મોડે સુધી કામ કરવાની આદત જરૂર પડી જાય છે અને ઉપવાસ એકટાણું કરવાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે એવું આયુર્વેદ કહે છે એટલે જ જે-તે કાળમાં કન્યાઓ માટે વ્રતોને ધાર્મિકતા સાથે જોડી દેવામાં આવ્યાંગોરમા ગોરમા રે…’ ગૌરી વ્રત વખતે ગવાતું ગીત છે. વ્રતધારી કન્યા ગોરમા પાસે જુદી જુદી માગણીઓ મૂકે છે. એ કહે છે કે મારા વ્રતથી પ્રસન્ન થઈને મને એવું ‘સાસરિયું દેજો જ્યાં સસરાજી સવાદિયા હોય!’ સસરા જો સ્વાદશોખીન હોય તો રોજ નવી નવી વાનગીઓ બનાવવાનું કહે ને એ બહાને પોતાને પણ ખાવા મળે. એવી જ રીતે સાસુ ભૂખાળવાં મળે એવી માગ કરી છે કેમકે થોડી થોડીવારે સાસુ કટકબટક કરવા કાંઈક કાંઈક માગ્યા કરે તો પોતાનું પણ કામ થાય! ‘ભોળી’ કન્યાએ કહ્યાગરો કંથ માગીને કમાલ કરી નાખી! અંતે તો પતિ પોતાના કહ્યામાં હોય તો જીવનનૈયા સરળતાથી સંસારસાગરમાં સરકતી રહે.
વળી, કામકાજ અને વાતોમાં સંગાથ મળે એટલા માટે દેરાણી-જેઠાણીની જોડ પણ માગી લીધી. એ પછી કાંઠા ઘઉંની રોટલી અને એના ઉપર માળવિયો ગોળ મળે એવી અપેક્ષા પણ રાખી છે. અહીં ‘કાંઠા ઘઉં’ એટલે સારા ઘઉં કે ‘ભાલકાંઠા’ના ઉત્તમ ઘઉં જેવો અર્થ અભિપ્રેત હોય એવું લાગે છે. વ્રતધારી કુંવારિકાએ પૈસા, સોનું, સ્થાવર-જંગમ કાંઈ ન માગ્યું, માત્ર સારું સાસરિયું અને સારું ભોજન જ માગ્યું એ પણ કેવું! છેલ્લે શરત પણ મૂકી કે મેં જેટલી માગણી કરી એટલું આપશો તો તમને પૂજીશ, ભાવથી તમારી આરાધના કરીશ ને તમારા પાયે પડીશ! વાહ, કેટલું ભોળપણ! કેવી પારદર્શકતા આપણી બહેનોની! ગીતમાં વારંવાર આવતો ‘ગોરમા’ શબ્દ; ગૌરીમા’નું અપભ્રંશ છે. ગામઠી બહેનો ગૌરી વ્રતને ગોરમાનું વ્રત કહે છે. ગૌરી એટલે પાર્વતી. શિવને પામવા ગૌરીએ આકરી તપશ્ચર્યા કરી હતી એ જ પરંપરાને કુંવારિકાઓ આજેય અનુસરે છે