મનુષ્યમાં રહેતા 10 દુર્ગુણોનો નાશ એટલે “દશેરા”; ગંગા દશેરાના દિવસે ગંગા સ્નાનનું છે કઈક આવું મહત્વ હિંદુ ધર્મમાં ગંગાને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને ગંગાજળને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. કોઈપણ શુભ કાર્ય અને પૂજા વિધિમાં ગંગાજળનો ઉપયોગ અચૂક થાય છે. ગંગાજળ વિના કોઈપણ શુભ કાર્ય પૂર્ણ થતું નથી. ગંગામાં સ્નાન કરવાથી તમામ પાપમાથી મુક્તિ મળે છે તેવી પણ માનવામાં આવે છે. ગંગા ભવતારિણી છે, તેવું માનવમાં આવતું હોવાને કારણે હિંદુ ધર્મમાં ગંગા દશેરાનું વિશેષ મહત્વ રહ્યું છે.
પૌરાણિક ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે માતા ગંગા પૃથ્વી પર અવતર્યા હતા. પૌરાણિક માન્યતાઓ અનુસાર, ભગીરથ તેમના પૂર્વજોની આત્માઓને બચાવવા માટે ગંગાને પૃથ્વી પર લાવ્યા હતા. આ કારણથી ગંગાને ભાગીરથી પણ કહેવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ, ગંગા દશેરાનો પવિત્ર તહેવાર દર વર્ષે જ્યેષ્ઠ માસમાં શુક્લ પક્ષની દસમી તારીખે ઉજવવામાં આવે છે. આ દિવસે મા ગંગાની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે.
ધાર્મિક ગ્રંથો અનુસાર આ દિવસે ગંગામાં સ્નાન અને તેના પછી દાન કરવાનું વિશેષ મહત્વ છે. જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની દશમી તિથિ 9મી જૂનના રોજ સવારે 8.21 વાગ્યાથી શરૂ થશે અને 10મી જૂનના રોજ સાંજે 7.25 વાગ્યા સુધી ચાલશે. 10 જૂને ગંગા દશેરાની ઉજવણી કરવામાં આવશે. આ સાથે આ દિવસે હસ્ત નક્ષત્ર અને વ્યતિપાત યોગ પણ રહેશે. આ યોગમાં સ્નાન અને દાન કરવું ખૂબ જ ફાયદાકારક છે.
ધાર્મિક ગ્રંથો અનુસાર ગંગા દશેરાના દિવસે વિધિ-વિધાન અનુસાર માતા ગંગાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ગંગા સ્નાનનું પણ વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે દેવી ગંગાની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. ગંગા દશેરાના દિવસે સવારે ગંગામાં સ્નાન કર્યા પછી સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવવામાં આવે છે. તેની સાથે જ સોપારી પર ફૂલ અને અખંડ મૂકીને પાણીમાં બોળી દેવામાં આવે છે. દશેરાનો અર્થ છે 10 દુર્ગુણોનો નાશ, તેથી દશેરાના દિવસે ગંગામાં પવિત્ર સ્નાન કરવાથી મનુષ્યના તમામ પાપો ધોવાઇ જાય છે.