ભાદરવા માસની અજવાળી ચોથે કરાતું આ વ્રત ગણેશજીનું છે. ગણેશજી સુખ સંપત્તિના દાતા છે. આ વ્રત કરનારે સવારે વહેલા તૈયાર થઇને ગણેશજીની કરેણના લાલ ફૂલોથી પૂજા કરવી અને આખો દિવસ ઉપવાસ કરવો. ગણેશજીને લાડવાનો નૈવેધ ચડાવવો. ગણપતિનું વ્રત કરનારે ચન્દ્રના દર્શન ન કરવા જોઇએ. એના પાછળની વાર્તા આ છે.
શ્રીગણેશજીએ આપ્યો હતો ચંદ્રને શ્રાપ: આ છે પૂરી વાર્તા
ભગવાન ગણેશને ગજનું મુખ લગાવવામાં આવ્યું હતું તો તેઓ ગજવંદન કહેવાયા અને માતા-પિતાના રૂપમાં પૃથ્વીની સૌ પ્રથમ પરિક્રમા કરવાને લીધે અગ્રપૂજ્ય બન્યા. બધા દેવતાઓને તેમની સ્તુતિ કરી પરંતુ ચંદ્ર ધીરે-ધીરે હંસતાં હતા. તેથી ગણપતિ ચન્દ્ર પર ગુસ્સે થયાં. અને તરત જ તેઓએ ચન્દ્રને શ્રાપ આપી દીધો કે તને તારા રૂપ પર અભિમાન છે તો આજથી તું કાળો બની જઈશ. અને આજના દિવસે જે તારી સામે જોશે તે કોઇ પણ વાંક વિના મુશ્કેલીમાં પડશે.
શ્રાપ સાંભળી ચન્દ્ર ધ્રૂજવા લાગ્યો અને ભયભીત થઈ તે કમળમાં જઈને છુપાઈ ગયો. ચંદ્રના કમળ માં છુપાય જવાથી પૃથ્વી પર અંધકાર છવાઇ ગયો. આ જોઈ બધા જ દેવો ચિંતામાં આવી ગયાં. તેમાંથી કેટલાક દેવો તેના શ્રાપનું નિરાકણ પુછવા માટે બ્રહ્મા પાસે દોડી ગયાં.
તેઓની વાત સાંભળી બ્રહ્માએ કહ્યું- ગણપતિનો શ્રાપ તો કોઇ જ મિથ્યા ન કરી શકે. છતાં પણ જો તમારે શ્રાપનું નિવારણ કરવું હોય તો ગણેશજીનું વ્રત કરીને ચન્દ્રએ તેમને રીજવવા પડશે. ભાદરવા માસની અજવાળી એકમથી આ વ્રત શરૂ થાય છે. આ વ્રતથી ગણપતિ જરૂર પ્રસન્ન થશે અને ચન્દ્રને શ્રાપમાંથી મુક્તિ મળી જશે. ભાદરવાની અજવાળી એકમ આવતાંની સાથે ચન્દ્રએ વ્રતની શરૂઆત કરી અને વ્રત પૂર્ણ થતાં તેને ક્ષમા માંગી કે હે દેવ હુ જાણે-અજાણે તમારા દોષમાં આવ્યો છું તો મને ક્ષમા કરો.
ચન્દ્રની ક્ષમાથી ગણેશજી તેઓની પર પ્રસન્ન થઈ અને આશીર્વાદ આપતાં બોલ્યાં હે ચન્દ્ર તને હુ શ્રાપમુક્ત તો ન કરી શકું કેમકે મારો આપેલો શ્રાપ ક્યારેય મિથ્યા જતો નથી છતાં પણ હુ તને તેના કલંકથી મુક્ત કરુ છું. સૂર્યના પ્રકાશથી તને ધીરે-ધીરે પોતાનું સ્વરૂપ ફરીથી પ્રાપ્ત થશે, પરંતુ આજનો (ભાદરવા, સુદ ચતુર્થી) દિવસને દંડ આપવા માટે હંમેશાં યાદ કરવામાં આવશે. જે કોઈ વ્યક્તિ આ દિવસે તમારા દર્શન કરશે, તો તે કોઇ પણ વાંક વિના મુશ્કેલીમાં પડશે.
ચંદ્રદોષ માંથી મુક્તિ પામવાનો ઉપાય:
ગ્રંથોના જણાવ્યા અનુશાર ભગવાન શ્રીકૃષ્ણએ પણ ચંદ્રના દર્શન કરી લીધા હતા જેનાથી તેમની પર પણ ચોરીનો જૂઠો આરોપ લાગ્યો હતો. આ વાત નારદ ઋષિએ શ્રીકૃષ્ણએ બતાવી હતી. પછી શ્રીકૃષ્ણ ભગવાને શ્રીગણેશની પૂજા કરી અને આરોપથી મુક્તિ પ્રાપ્ત કરી હતી. પરંતુ ભૂલથી ચંદ્ર જોઈ લેવાથી પણ પુરાણોમાં આરોપથી મુક્તિ મેળવવા મંત્ર પણ બતાવ્યો છે. જેને વાંચવાથી ચંદ્ર દર્શનનો દોષ નથી લાગતો.
મંત્રઃ
सिंह: प्रसेन मण्वधीत्सिंहो जाम्बवता हत:।
सुकुमार मा रोदीस्तव ह्येष: स्यमन्तक:।।
આ મંત્રના પ્રભાવથી કલંક પણ નથી લાગતું. જે મનુષ્ય જૂઠા આરોપ પ્રત્યારોપમાં ફસાઈ જાય, તે આ મંત્રનો જાપ કરીને આરોપથી મુક્ત થઈ શકે છે. જો મંત્ર ન વાંચવામાં આવે અને ગણેશજીની પૂજા કરવામાં આવે અને વ્રત કરવામાં આવે તો પણ તેનો દોષ નથી લાગતો.