ગુજરાતમાં RT-PCR ટેસ્ટના રિપોર્ટમાં થઈ રહેલા 72 કલાક જેટલા વિલંબને કારણે કોરોના વાઈરસના ફેલાવાની તીવ્રતા વધતા અનેક દર્દીઓ ગંભીર સ્થિતિમાં મુકાયા છે. આથી, રાજ્યના આરોગ્ય વિભાગે RT-PCR રિપોર્ટની રાહ જોયા વગર જ દર્દીના HRCT અને રેપિડ એન્ટીજન ટેસ્ટના પોઝિટીવ રિપોર્ટને આધારે જ રેમડેસિવિર ઈન્જેક્શન ફાળવવા ગુરવારે સાંજે નિર્ણય કર્યો છે.
RT-PCRના ટેસ્ટ માટે રાજ્યમાં ICMRએ 45 સરકારી અને ૫૨ (બાવન) પ્રાઈવેટ લેબને માન્યતા આપી છે. જેની દૈનિક કેપેસિટી 85 હજાર ટેસ્ટની છે. કોરોનાની સેકન્ડ વેવમાં જ્યાં સૌથી વધુ લેબ છે તેવા અમદાવાદ, સુરત, વડોદરાને બાદ કરતા કચ્છ, સુરેન્દ્રનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા જેવા મોટા જિલ્લામાં, મોડાસા, ડાકોર, ભરૂચ, મોરબી, બોટાદ સહિતના નાના શહેરોમાં RT-PCRનો રિપોર્ટ આવતા 3થી 4 દિવસ થાય છે.
સેકન્ડ વેવમાં કોરોનાનો મ્યુટન્ટ બદલાયો છે, ત્રીજા- ચોથા દિવસે ફેફસામાં વાઈરસ ઉતરતા દર્દીની સ્થિતિ વધુ ગંભીર થાય છે. આવી સ્થિતિમાં સરકારે રેમડેસિવિર ઈન્જેક્શન મેળવવા અરજીની સાથે RT-PCRનો પોઝિટીવ રિપોર્ટ ફરજિયાત જોડવાનો આદેશ કર્યો હતો. આ પ્રક્રિયમાં હવે HRCT અને એન્ટીજન ટેસ્ટને પણ ઉમેરવામાં આવ્યા છે.
આરોગ્ય કમિશનરેટમાં અધિક નિયામક ડો.દિનકર રાવલની સહીથી ગુરૂવારે પ્રસિધ્ધ કચેરી આદેશમાં કહેવાયુ છે કે, કોવિડ-19ની સારવાર લેતા દર્દીને RT-PCR પોઝિટીવ હોય તો જ રેમડેસિવિર ઈન્જેક્શન આપવા સંદર્ભે ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશને 10 એપ્રિલે સુચવેલી વ્યવસ્થામાં હવેથી દર્દીનો HRCT પોઝિટીવ હોય તથા રેપીડ એન્ટીજન ટેસ્ટ પોઝિટીવ હોય તો પણ આ ઈન્જેક્શન આપવાના રહેશે.
જો આ બે લક્ષણો દેખાય તો ખાસ ચેતજો!
કોરોના વાયરસ સમયાંતરે પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે. સાથો કોરોનાના દર્દીઓના લક્ષણો પણ બદલાઈ રહ્યાં છે. ડોક્ટર્સના જણાવ્યાં મુજબ આ વખતે કોરોના વાયરસનું સંક્રમણ કાન અને નાક પર સીધુ એટેક કરી રહ્યું છે. કોરોનાનો નવો સ્ટ્રેન આ વખતે વાયરલ તાવ, પેટનો દુખાવો, ડાયેરિયા, અપચો, ગેસ, ઝાડા ઉલ્ટી, ભૂખ ન લાગવી, શરીરનો દુખાવો, એસિડિટી જેવા લક્ષણો સાથે આવ્યો હતો. પરંતુ હવે જ્યારે ચારેકોર તેનું સંક્રમણ વધ્યા બાદ કોરોનાના કેટલાક વધુ લક્ષણો પણ સામે આવ્યા છે.
SGPGI અને KGMU સહિત અનેક કોવિડ હોસ્પિટલમાં એડમિટ કોરોના દર્દીઓને જોવામાં અને સાંભળવામાં પરેશાની વધી છે. ડોક્ટર્સે જણાવ્યું હતું કે, અહીં એવા અનેક દર્દીઓ છે જેમને બંને કાનથી ઓછું સંભળાવવા લાગ્યું છે. આ ઉપરાંત ઓછું દેખાતું હોવાની પણ ફરિયાદ ઉઠી છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, ગંભીર સ્થિતિ ઉભી થતા કોરોના શરીરના અનેક અંગો પર અસર કરે છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, કોરોનાએ જે રીતે પોતાનું રૂપ બદલ્યું છે ત્યારબાદ ચિંતા વધી ગઈ છે. કોરોનાના પ્રોટોકોલનું પાલન કરવું જ હવે એકમાત્ર ઉપાય છે. જો કે નવા વેરિએન્ટમાં રાહતના સમાચાર એ છે કે નવો સ્ટ્રેન સારી ઈમ્યુનિટીવાળા દર્દીને વધુ સમય સુધી પરેશાન કરી શકતો નથી. 5-6 દિવસમાં તે સાજા થવા લાગે છે.
Source : Sandesh