દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું નિવૃત્ત જીવન સારું રહે. જ્યારે તે વ્યક્તિ કમાવાનું બંધ કરે, ત્યારે તેના ખર્ચને પહોંચી વળવા માટે રોકડની કોઈ અછત ન થાય. જોકે, પેન્શન તેમાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે. 60 વર્ષની ઉંમર પછી પેન્શન સંબંધિત ઘણી યોજનાઓ છે, પરંતુ જો તમે 40 વર્ષની ઉંમર પછી જ પેન્શન મેળવવાનું શરૂ કરી શકો તો? દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે LIC તેના ગ્રાહકોને આવો જ પ્લાન ઓફર કરે છે. LICના આ પ્લાનનું નામ છે સરલ પેન્શન પ્લાન. LIC સરલ પેન્શન યોજનામાં તમે 40 વર્ષની ઉંમરથી પેન્શનનો લાભ લઈ શકો છો. ચાલો જાણીએ આ પ્લાનની વિશેષતાઓ શું છે.
LIC સરલ પેન્શન સ્કીમએ નોન-લિંક્ડ, સિંગલ પ્રીમિયમ, વ્યક્તિગત તાત્કાલિક વાર્ષિકી યોજના છે. તમે આ પ્લાન એકલા અથવા તમારા જીવનસાથી સાથે મળીને પણ લઈ શકો છો. જેમાં તમારે એકસાથે રકમનું રોકાણ કરવું પડશે અને પછી તમને પેન્શન મળતું રહેશે. આ પોલિસી લેતી વખતે ગ્રાહકે એકસાથે પ્રીમિયમ ચૂકવવું પડે છે અને પેન્શન પોલિસી લેવાના સમયથી શરૂ થાય છે. જેટલું પેન્શન શરૂ થાય છે, એટલું જ પેન્શન આખી જિંદગી ચાલુ રહે છે. આ યોજના માટે લઘુત્તમ વય 40 વર્ષ અને મહત્તમ વય 80 વર્ષ છે. આ પોલિસી શરૂ થયાના છ મહિના પછી ગમે ત્યારે સરેન્ડર કરી શકાય છે.
LIC સરલ પેન્શન પ્લાન સિંગલ લાઇફ અને જોઇન્ટ લાઇફ બંને મોડમાં લઈ શકાય છે. સિંગલ લાઈફમાં પોલિસી એક વ્યક્તિના નામે હોય છે. પોલિસીધારકને તેના બાકીના જીવન માટે પેન્શન મળે છે. પોલિસીધારકના મૃત્યુ પર આધાર પ્રીમિયમની રકમ ગ્રાહકના નોમિનીને પરત કરવામાં આવે છે. તો જોઈન્ટ લાઈફમાં પતિ અને પત્ની બંને એકસાથે પેન્શન લઈ શકે છે. જ્યાં સુધી પ્રાથમિક પેન્શનરો જીવિત છે, ત્યાં સુધી તેઓને પેન્શન મળતું રહે છે. જ્યારે તેઓ મૃત્યુ પામે છે, ત્યારે તેના જીવનસાથીને પેન્શન મળે છે. જીવનસાથીના મૃત્યુ પછી નોમિનીને બેઝ પ્રીમિયમ ચૂકવવામાં આવે છે.
LIC સરલ પેન્શન પ્લાનમાં પેન્શન મેળવવા માટે ચાર વિકલ્પો છે. ગ્રાહકો માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક પેન્શન લઈ શકે છે. માસિક પેન્શન લઘુત્તમ રૂ. 1000, ત્રિમાસિક પેન્શન લઘુત્તમ રૂ. 3,000, અર્ધવાર્ષિક પેન્શન લઘુત્તમ રૂ. 6,000 અને વાર્ષિક પેન્શન લઘુત્તમ રૂ. 12,000 હશે. મહત્તમ પેન્શન રકમ પર કોઈ મર્યાદા નથી. દા.ત, જો તમારી ઉંમર 42 વર્ષ છે અને તમે 30 લાખ રૂપિયાની એન્યુટી ખરીદો છો, તો તમને 12,388 રૂપિયાનું માસિક પેન્શન મળશે.
આ યોજનામાં લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. ગ્રાહકો યોજનાની શરૂઆતના છ મહિના પછી લોન માટે અરજી કરી શકે છે. સાથે જો તમને કોઈ રોગની સારવાર માટે પૈસાની જરૂર હોય, તો તમે પોલિસીમાં જમા કરેલા પૈસા પણ ઉપાડી શકો છો. પૉલિસી સરેન્ડર કરવા પર ગ્રાહકને મૂળ કિંમતના 95 ટકા પાછા મળે છે.