Stock Market Close: વૈશ્વિક બજારના મજબૂત સંકેતો અને જીડીપી ગ્રોથ ડેટા બાદ શુક્રવારે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 1245.05 પોઈન્ટ્સ અથવા 1.72% વધીને 73,745.35 પર જ્યારે નિફ્ટી 355.95 (1.62%) પોઈન્ટ્સ મજબૂત થઈને 22,338.75 પર બંધ થયો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 27માં વધારો અને 3માં ઘટાડો જોવા મળી રહ્યો છે. સૌથી વધુ ઉછાળો ઓઈલ-ગેસ, બેન્કિંગ અને ઓટો શેરોમાં જોવા મળી રહ્યો છે.
શેરબજારમાં ઉછાળાના 3 કારણો
નાણાકીય વર્ષ 2023-2024 ના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) વૃદ્ધિ વધીને 8.4% થઈ ગઈ છે. તેની બજારના સેન્ટિમેન્ટ પર સકારાત્મક અસર જોવા મળી છે.
તાજેતરમાં જ કેટલાક સર્વેમાં આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએની જીતની આગાહી કરવામાં આવી છે. તેનાથી બેન્કિંગ અને PSU શેરોમાં ઉત્સાહ પાછો આવ્યો છે.
S&P500 અને Nasdaq ગુરુવારે યુએસ ફુગાવાના ડેટાના પ્રકાશન પછી વોલ સ્ટ્રીટ પર રેકોર્ડ ઉચ્ચ સ્તરે બંધ થયા હતા. વૈશ્વિક બજાર પર તેની સકારાત્મક અસર જોવા મળી છે.
ગઈકાલે બજારમાં તેજી જોવા મળી હતી
અગાઉ ગઈકાલે એટલે કે 29મી ફેબ્રુઆરીએ શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 195 પોઈન્ટના ઉછાળા સાથે 72,500ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીમાં પણ 31 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. 21,982ના સ્તરે બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 22માં ઉછાળો અને 8માં ઘટાડો જોવા મળ્યો હતો. બેન્કિંગ અને ઓટો શેર્સમાં વધુ ઉછાળો જોવા મળ્યો હતો. પેટીએમના શેર 1.92% વધ્યા હતા.