Maruti Suzuki Sales:તહેવારોની સિઝનની શરૂઆતની અસર બજારમાં દેખાવા લાગી છે. દેશમાં વાહન ઉત્પાદકોએ તહેવારોની મોસમ દરમિયાન મજબૂત માંગને પહોંચી વળવા ડીલરોને સ્ટોક મોકલ્યો હતો. આ કારણે સપ્ટેમ્બરમાં પેસેન્જર વાહનોનું જથ્થાબંધ વેચાણ રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું. સપ્ટેમ્બર મહિનામાં ઓટો ઉદ્યોગમાં કુલ 3,63,733 વાહનોનું વેચાણ થયું હતું, જે અત્યાર સુધીના કોઈપણ મહિનામાં સૌથી વધુ છે. અગાઉ, સૌથી વધુ આંકડો ઓગસ્ટ 2023 માં હતો, જ્યારે 3,60,700 વાહનોનું વેચાણ થયું હતું.
મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ અને ટોયોટાએ સપ્ટેમ્બર, 2023માં તેમનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ માસિક જથ્થાબંધ વેચાણ નોંધાવ્યો હતો. વર્તમાન તહેવારોની મોસમને કારણે મજબૂત માંગને પહોંચી વળવા, વેચાણકર્તાઓએ પુરવઠો વધાર્યો છે. મારુતિ સુઝુકી ઈન્ડિયા (MSI)નું સપ્ટેમ્બરમાં કુલ વાહનોનું વેચાણ વાર્ષિક ધોરણે 3 ટકા વધીને 1,81,343 યુનિટ થયું છે. આ એક મહિનામાં તેનો સૌથી વધુ વેચાણનો આંકડો છે. દેશની સૌથી મોટી કાર મેન્યુફેક્ચરિંગ કંપનીએ સપ્ટેમ્બર, 2022માં 1,76,306 કારનું જથ્થાબંધ વેચાણ કર્યું હતું.
હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાનું સપ્ટેમ્બરમાં કુલ જથ્થાબંધ વેચાણ વાર્ષિક ધોરણે 13 ટકા વધીને 71,641 યુનિટ થયું છે. દેશની બીજી સૌથી મોટી કાર ઉત્પાદક કંપનીએ કહ્યું કે આ તેનું સૌથી વધુ માસિક વેચાણ છે. કંપનીનું સ્થાનિક વેચાણ સપ્ટેમ્બર 2022માં 49,700 યુનિટથી 9 ટકા વધીને 54,241 યુનિટ થયું છે.
ટાટા મોટર્સનું સ્થાનિક વેચાણ સપ્ટેમ્બરમાં વાર્ષિક ધોરણે 2 ટકા વધીને 82,023 યુનિટ થયું છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તે 80,633 યુનિટ હતું. ટાટા મોટર્સે શેરબજારને જણાવ્યું કે સપ્ટેમ્બરમાં પેસેન્જર વ્હિકલ સેગમેન્ટમાં કંપનીનું સ્થાનિક વેચાણ વાર્ષિક ધોરણે છ ટકા ઘટીને 44,809 યુનિટ થયું છે. સપ્ટેમ્બર 2022માં આ આંકડો 47,654 યુનિટ હતો.
સપ્ટેમ્બરમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડનું સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ (SUV) સેગમેન્ટમાં વેચાણ અત્યાર સુધીનું સૌથી વધુ હતું. કંપનીએ આ સેગમેન્ટમાં 20 ટકાના વધારા સાથે 41,267 વાહનોનું વેચાણ કર્યું છે. સપ્ટેમ્બર, 2022માં આ આંકડો 34,262 યુનિટ હતો. M&M પાસે ગયા મહિને કાર અને વાનનું શૂન્ય વેચાણ હતું, જોકે, તેણે સપ્ટેમ્બર 2022માં આ શ્રેણીમાં 246 વાહનોનું વેચાણ કર્યું હતું.
સપ્ટેમ્બરમાં ટોયોટા કિર્લોસ્કર મોટર (TKM)નું કુલ જથ્થાબંધ વેચાણ વાર્ષિક ધોરણે 53 ટકા વધીને 23,590 યુનિટ થયું છે. આ કંપનીનો સૌથી વધુ માસિક વેચાણનો આંકડો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કંપનીએ ડીલરોને 15,378 વાહનો મોકલ્યા હતા. ટોયોટાએ જણાવ્યું કે સપ્ટેમ્બરમાં સ્થાનિક બજારમાં તેનું વેચાણ 22,168 યુનિટ હતું.
સપ્ટેમ્બરમાં વાર્ષિક ધોરણે એમજી મોટર ઇન્ડિયાનું રિટેલ વેચાણ 31 ટકા વધીને 5,003 યુનિટ થયું છે. એમજી મોટરે જણાવ્યું હતું કે કંપનીના કુલ વેચાણમાં ઇલેક્ટ્રિક વાહનોનો હિસ્સો લગભગ 25 ટકા રહ્યો છે. કંપનીએ કહ્યું કે તેના JS EV અને બ્લેક સ્ટોર્મ મોડલને ગ્રાહકો તરફથી હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.
Honda Cars India Limited એ સપ્ટેમ્બર 2023 માં સ્થાનિક બજારમાં 9,861 વાહનોનું વેચાણ કર્યું હતું, જે વાર્ષિક ધોરણે 13 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.