આરબીઆઈએ એક લેખમાં જણાવ્યું છે કે સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો જુલાઈમાં તેના ઉચ્ચ સ્તરથી નીચે આવ્યો છે, જેણે મેક્રો ઈકોનોમિક ફંડામેન્ટલ્સને મજબૂત બનાવ્યું છે. જોકે, ત્રીજા ક્વાર્ટરથી વૈશ્વિક વૃદ્ધિએ તેની ગતિ ગુમાવી દીધી છે.
વૈશ્વિક વૃદ્ધિ કેમ ઘટી?
તેનું કારણ ઉત્પાદન પ્રવૃત્તિઓમાં નબળાઈ અને વિકસિત અર્થતંત્રોની નાણાકીય સ્થિતિ છે. લેખમાં કહેવામાં આવ્યું છે કે ક્રૂડ ઓઈલની વધતી કિંમતો વૈશ્વિક વિકાસ માટે મોટું જોખમ છે.
ગુરુવારે આરબીઆઈના બુલેટિનમાં પ્રકાશિત થયેલા આર્ટિકલ ‘સ્ટેટ ઓફ ધ ઈકોનોમી’માં કહેવામાં આવ્યું છે કે મુખ્ય ડેટા દર્શાવે છે કે ભારત વ્યાપક ધોરણે ગતિ પકડી રહ્યું છે.
ભારે મૂડી ઉદ્યોગોને મદદ મળી
તેણે જણાવ્યું હતું કે ઉચ્ચ ક્ષમતાના ઉપયોગથી ભારે મૂડી ઉદ્યોગોને વેગ પ્રાપ્ત કરવામાં મદદ મળી છે. શાકભાજી અને ઈંધણના ભાવમાં નરમાઈને કારણે સપ્ટેમ્બરમાં વાર્ષિક ધોરણે છૂટક ફુગાવો ઘટીને 5.02 ટકાના ત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો.
ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) આધારિત ફુગાવો ઓગસ્ટમાં 6.83 ટકા અને સપ્ટેમ્બર, 2022માં 7.41 ટકા હતો. જુલાઈમાં તે 7.44 ટકાના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો.