મધ્યપ્રદેશના ભોપાલની એક યુવતીએ 6 મહિનામાં પોતાના શરીર પર 70 ટેટૂ બનાવડાવ્યાં. જ્યારે પણ તે ગુસ્સે થાય છે ત્યારે તે ટેટૂ કરાવવા જાય છે. તેણે પોતાના શરીર પર બંદૂક, સાપ, વીંછી જેવાં અનેક ટેટૂ બનાવડાવ્યાં છે. અત્યારના યુવાનોમાં આ એક કૂલ ટ્રેન્ડ છે, પરંતુ ટેટૂ બનાવવાનું કલ્ચર હજારો વર્ષો જૂનું છે અને દરેક ટેટૂનો પોતાનો એક અલગ અર્થ છે.
રાજસ્થાનના કોટાના ટેટૂ આર્ટિસ્ટ હિમાંશુ શર્માએ જણાવ્યું કે, ટેટૂ બનાવવાનું કલ્ચર હજારો વર્ષ જૂનું છે. પહેલાં વિવિધ સમુદાયો તેમની પરંપરા અને સંસ્કૃતિને દર્શાવવા માટે ટેટૂ બનાવતાં હતાં. અત્યારે જ્યોમેટ્રિકલ, થ્રોન અને મંડાલા ટેટૂ ઘણા ડિમાન્ડમાં છે. દરેક ટેટૂનો પોતાનો એક અલગ અર્થ હોય છે. ઘુવડનો અર્થ સારું નસીબ થાય છે. હોકાયંત્ર દિશાસૂચક શોખને દર્શાવે છે. ઘણા લોકો રાણી બનાવે છે જે મહિલાશક્તિ દર્શાવે છે કેટલાક લોકો ચહેરાની ડિઝાઈન કરાવવા માગે છે. તે યાદ સાથે સંકળાયેલું હોય છે. મોટાભાગના ગ્રાહકો પોતાના અવસાન પામેલા પ્રિયજનોનો ચહેરો ટેટૂ તરીકે બનાવડાવે છે. તેને શાહી અને પ્રિયજનનાં અસ્થિની રાખ મિક્સ કરીને બનાવવામાં આવે છે. આવાં ટેટૂને ‘મેમોરિયલ ટેટૂ’કહેવામાં આવે છે.
ભારતમાં રહેતા આદિવાસીઓ ટેટૂને સ્વાસ્થ્ય સાથે જોડીને જુએ છે. ઝારખંડમાં મલ પહરિયા નામનો આદિવાસી સમુદાય રહે છે. અહીંની મહિલાઓ શરીરના અંગોને સ્વસ્થ રાખવા માટે ટેટૂ બનાવે છે. પંજાબમાં મુસ્લિમ મલેર મહિલાઓ તેમના માથા પર એટલા માટે ટેટૂ બનાવડાવે છે જેથી તેમના બાળકોની ડિલિવરી સુરક્ષિત રીતે થાય. તેમજ કેટલીક પ્રજાતિની મહિલાઓનું માનવું છે કે માથા પર ટેટૂ કરાવવાથી બુદ્ધિ વધે છે.
વર્ષ 1991માં 2 ટૂરિસ્ટને ઈટાલીની પાસે ગ્લેશિયરમાં એક પહાડ ચઢનાર વ્યક્તિનું મમી મળ્યું હતું. સંશોધકોના અનુસાર, તે 5300 વર્ષ કરતાં વધારે જૂનું છે. તેના શરીર પર જ્યોમેટ્રી શેપના 61 ટેટૂ મળ્યાં.