છેલ્લાં કેટલાક મહિનાઓથી સૂર્ય પર વિસ્ફોટની ઘટનાઓ વધી રહી છે. સોમવારના રોજ અહીં એક મોટો વિસ્ફોટ થયો હતો, જે સતત 8 કલાક સુધી ચાલ્યો હતો. તે NASAની સોલર ડાયનેમિક્સ ઓબ્ઝર્વેટરી અને SOHO ઓબ્ઝર્વેટરી દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યું હતું. વિસ્ફોટની અસર જાપાન અને દક્ષિણ-પૂર્વ એશિયા વિસ્તારમાં પણ જોવા મળી હતી. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, વિસ્ફોટના કારણે સર્જાયેલું સોલાર સ્ટોર્મ 15 જૂન, બુધવારના રોજ પૃથ્વી પર પણ ત્રાટકી શકે છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ગઈકાલે થયેલાં સોલાર વિસ્ફોટને કારણે જાપાન અને દક્ષિણ પૂર્વ એશિયાના અનેક દેશોમાં શોર્ટવેવ રેડિયો બ્લેકઆઉટ થયા હતા. હકીકતમાં વિસ્ફોટમાં નીકળતી સૂર્યની જ્વાળાઓ ગ્રહો પર પણ અસર કરે છે. સ્પેસ વેધર વેબસાઇટના જણાવ્યા મુજબ સૌર જ્વાળાઓને કારણે અવકાશમાં પ્લાઝ્મા અને ચુંબકીય ક્ષેત્રો એક્ઝોસ્ટ પણ થયા હતાં. પ્લાઝમાની ઝડપ લાખો કિલોમીટર પ્રતિ કલાકની હતી.
તે સૂર્યમાંથી નીકળતું એક એવું રેડિએશન છે કે, જે આખા સૌરમંડળને પ્રભાવિત કરવાની સંભાવના ધરાવે છે. તે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને અસર કરતી આપત્તિ છે. તે પૃથ્વીની આસપાસના વાતાવરણની ઉર્જાને પણ અસર કરે છે. સોલાર સ્ટોર્મ ઘણી બધી કેટેગરીના હોઈ શકે છે.
યુએસ નેશનલ ઓશિએનિક એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA) એ ચેતવણી જારી કરીને કહ્યું છે કે, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં આગામી એક અઠવાડિયામાં અણધાર્યા ફેરફાર આવી શકે છે. અહીં G-1 અને G-2 ક્લાસના જિયોમેગ્નેટિક સ્ટોર્મ આવી શકે છે, જેને નબળાંથી મધ્યમ તોફાન કહેવામાં આવે છે. ભારતના સેન્ટર ઓફ એક્સલન્સ ઈન સ્પેસ સાયન્સના જણાવ્યા અનુસાર 15 જૂને પૃથ્વી પર 645 થી 922 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે સોલાર સ્ટોર્મ ત્રાટકવાની સંભાવના છે. તેની અસર થોડાં દિવસો સુધી રહેશે.