દેશમાં કોરોના વાયરસના ખતરાને જોતા દેશમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી ત્યારથી જ લોકડાઉનનું પાલન કરાવવા માટે સરકાર વિવિધ રસ્તાઓ અપનાવી રહી છે. લોકો લોકડાઉનનું ભંગ કરતા અટકે તે માટે પોલીસે પણ ખૂબ મહેનત કરવી પડી રહી છે. ત્યારે કેરળના એક ગામે લોકડાઉન માટે નવતર પ્રયોગ કર્યો છે જેની ખૂબ ચર્ચા કરવામાં આવી રહી છે.
વિશ્વભરમાં કોરોના વાયરસના હાહાકારના કારણે કેટલાય દેશોમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. કોરોના વાયરસથી બચવાનો જો એકમાત્ર ઉપાય કોઈ હોય તો તે સોશિયલ ડીસ્ટન્સિંગ છે ત્યારે ભારતમાં ઘણા લોકો લોકડાઉનનો ભંગ કરતા નજરે પડે છે. પોલીસ કડક કાર્યવાહીની સાથે સાથે અનેકવિધ રસ્તાઓ અપનાવીને લોકોને સમજવવાના પ્રયત્ન કરી રહી છે.
લોકોને લોકડાઉનનું પાલન કરાવવા માટે કેરળના એક ગામે અનોખી વ્યવસ્થા ઉભી કરી. ગામની પંચાયતે ઓફર આપી કે લોકડાઉનનું પાલન કરો અને જીતો સોનું, રેફ્રીજરેટર સહીત 50 ઈનામ. કેરળના મલ્લપૂરમ જિલ્લાના થાઝેકકોડ ગ્રામ પંચાયતે આ નિર્ણય કર્યો છે. પંચાયતનું કહેવું છે કે જે પરિવાર લોકડાઉનમાં ઘરની બહાર નહીં નીકળે તેમને ઈનામ આપવામાં આવશે.
લોકડાઉનનું પાલન કરનારા લોકો માટે પહેલું ઈનામ છે સોનું. એ પછી બીજું ઈનામ રેફ્રિજરેટર તથા ત્રીજું ઈનામ વોશિંગ મશીન રાખવામાં આવ્યું છે. આમ લોકડાઉન ખતમ થયા બાદ અલગ અલગ 50 પ્રકારના ઈનામ આપવામાં આવશે. આ યોજના ગામમાં સાતમી એપ્રિલના રોજ લાગુ કરવામાં આવી હતી જેથી લોકો લોકડાઉનનું પાલન કરે.