દિલ્હી પોલીસનાં ઓફિશિયલ એકાઉન્ટ પરથી એક ટ્વીટ શેર કરવામાં આવ્યું છે, જેમાં લોકો ટ્રાફિકનાં નિયમો તોડયાં બાદ દંડ ના ભરવો પડે તે માટે કેવી-કેવી વિચિત્ર યુક્તિઓ શોધી કાઢે છે, તેના વિશે જણાવ્યું. જેમ કે ‘મારાં કૂતરાંએ મારું ડ્રાઇવિંગ લાઇસન્સ ખાઈ લીધું’, ‘હું ગર્ભવતી છું એટલે સીટ બેલ્ટ પહેરી નથી’ અને એકસ્ટ્રા ઓર્ડિનરી બહાનું ‘ગર્લફ્રેન્ડ રાહ જોઈ રહી છે, જવા દો નહિતર બ્રેકઅપ થઈ જશે.’
દિલ્હી પોલીસે કરેલાં ટ્વીટનાં જવાબમાં લોકોએ ચોંકાવનારાં બહાનાં શોધી કાઢ્યાં છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારાં ઘણાં લોકોનું માનવું છે કે, તેમણે પહેલી વાર આ ગુનો કર્યો છે તેવું ટ્રાફિક પોલીસને કહેવાથી તેઓ દંડથી બચી જાય છે. દિલ્હી પોલીસે ટ્વીટ કરીને લોકોને પૂછ્યું હતું કે, ‘ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થયા બાદ દંડથી બચવા માટેનાં વિચિત્ર બહાનાં શું હોય શકે?’
દિલ્હી પોલીસનાં આ ટ્વિટનાં જવાબમાં સોશિયલ મીડિયા યુઝર્સે ખૂબ જ ગજબ બહાનાઓ વિશે વાત કરી હતી. એક મહિલાએ લખ્યું, ‘હું ગર્ભવતી છું એટલે સીટ બેલ્ટ પહેરી શકતી નથી.’ એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, ‘હું તમને મારાં એક મિત્રએ અજમાવેલ બહાનું કહી રહ્યો છું, સર પત્નીનું કોઈની સાથે અફેર ચાલી રહ્યું છે અને તે તેની સાથે અત્યારે તળાવની પાળે બેઠી છે, મને જવા દો.’ આ રીતે લોકોએ ટ્વીટનાં રિપ્લાયમાં જુદાં-જુદાં બહાનાં જણાવ્યા. આ પછી જ્યારે ન્યૂઝ એજન્સીએ ટ્રાફિક પોલીસ અધિકારીને આ બહાનાઓ વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે, જ્યારે નિયમોનું ઉલ્લંઘન કરતાં લોકો પકડાય છે તો સામાન્ય રીતે તે પરિવાર સાથે જોડાયેલાં બહાનાં વધુ બનાવે છે અને આ પ્રકારના બહાના કાઢવામાં દિલ્હીનાં લોકો સૌથી આગળ છે.
એક યુઝરે લખ્યું, ‘સર, મારી ગર્લફ્રેન્ડ રાહ જોઈ રહી છે. મને જવા દો નહીંતર બ્રેકઅપ થઈ જશે અને આ રીત દરેક વખતે સફળ થાય છે.’ અન્ય એક વ્યક્તિએ ટ્વિટર પર લખ્યું, ‘સર, આ પહેલી વાર છે… જવા દો… પાકકું આગલી વખતે આવું નહીં થાય.’ સૌરભ શ્યામલ નામનાં અન્ય એક વ્યક્તિએ લખ્યું, ‘એક દિવસ જ્યારે હું હેલ્મેટ ન પહેરવાનાં કારણે પકડાયો હતો ત્યારે મેં કહ્યું ‘સર, અમે વિદ્યાર્થીઓ છીએ, અમારી પાસે પૈસા જ નથી હોતાં.’
પોલીસે કહ્યું કે, જે લોકોને પકડીએ તે નવા-નવા બહાના કાઢે છે. આ બહાનાઓની ચકાસણી કર્યા બાદ તેમને કામચલાઉ જેલમાં મોકલવામાં આવ્યા હતા. મોટી કારમાં નીકળેલાં લોકો પણ કારણ વગર નીકળી રહ્યા હતા.