આજના જમાનામાં પ્લાસ્ટિક વેસ્ટ એક મુસીબતનો પહાડ બની ચૂકી છે. ત્યારે પ્લાસ્ટીકનો અંત કેમ આવશે તે ઉપર સંસોધનો ચાલુ જ રહેતા હોય છે. હવે સંશોધનકારોએ એવા જંતુઓની શોધ કરી છે જે પ્લાસ્ટિકના કચરાથી પ્રદૂષણ ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. આ જંતુઓ સ્ટાયરોફોમ ખાય છે. આ ‘સુપરવોર્મ’ (ઝોફોબાસ મોરિયો) પ્રજાતિમાંથી આવે છે. આ મીલવોર્મ અને વેક્સ વોર્મ ઓછામાં ઓછા પાંચ ગણા મોટા હોઈ શકે છે. સ્ટાયરોફોમ પચાવવામાં આનો કોઈ પણ તકલીફ પડતી નથી. આ જંતુઓ આપણને પ્લાસ્ટિકને તોડવામાં મદદ કરી શકે છે. આ પ્લાસ્ટિકને બાયોડિગ્રેડ કરવામાં લાગતા સમયને મોટા પ્રમાણમાં ઘટાડી શકે છે.
માઇક્રોબાયલ જિનોમિક્સ જર્નલમાં પ્રકાશિત એક નવા સંશોધનમાં, ટીમે આ શોધ વિશે વધુ માહિતી આપી છે. સંશોધનકારો કહે છે કે જંતુઓના ત્રણ નિયંત્રણ ગ્રુપ બનાવવામાં આવ્યા હતા. આ ત્રણે જૂથમાંથી એક જૂથને કઈ જ આપવામાં ન આવ્યું, એકને ચોકર ખવડાવવામાં આવ્યું હતું અને એકને પ્લાસ્ટિક ખવડાવવામાં આવ્યું હતું. સંશોધનમાં જાણવા મળ્યું છે કે સુપરવોર્મ્સના આ ત્રણ જૂથોએ તમામ આહાર ખાઈને પોતાનું જીવન ચક્ર પૂર્ણ કર્યું છે. જો કે, પોલિસ્ટરીન પર ઉછેરવામાં આવતા સુપરવોર્મનું વજન ઓછું વધ્યું હતું.
આ સંશોધનના પરિણામોના આધારે, એવું કહી શકાય કે આ કૃમિ કદાચ વધતા જતા પ્લાસ્ટિક પ્રદૂષણ સંકટને પહોંચી વળવામાં આપણી મદદ કરી શકે છે. જો જંતુઓ પ્લાસ્ટિક ખાઈ શકે છે અને ટકી શકે છે, તો તેઓ સંભવત: મનુષ્યો દ્વારા નદીઓ અને સમુદ્રમાં ફેંકવામાં આવતા અસંખ્ય કિલો પ્લાસ્ટિકને ખાઈ શકે છે. પણ આ કોઈ ચમત્કારિક ઈલાજ નથી. જે જંતુઓ પોલિસ્ટરીન ખાતા હતા, તેઓ પ્લાસ્ટિક પર હાજર રોગકારક બેક્ટેરિયાથી પીડિત હતા, જે તેમના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે.
સંશોધકોને આમાંથી ઘણી અપેક્ષાઓ છે. યુનિવર્સિટી ઓફ ક્વીન્સલેન્ડના સિનિયર લેક્ચરર અને રિસર્ચના સિનિયર લેખક ક્રિસ રિન્કેનું કહેવું છે કે સુપરવોર્મના પેટમાં એન્કોડ થયેલા તમામ બેક્ટેરિયલ એન્ઝાઇમ્સની યાદી અમારી પાસે છે. અમે ઉત્સેચકોની વધુ તપાસ કરીશું જેમાં પોલિસ્ટરીનને દૂર કરવાની સંભાવના છે સંશોધકોના મતે પ્લાસ્ટિકને રિસાઇકલ કરવાની આ એક સરસ અને કિફાયતી રીત બની શકે છે.