સામાન્ય રીતે લગ્ન પછી કપલ હનિમૂન માટે કોઈ સુંદર લોકેશન પર જાય છે, પરંતુ એક ટ્રાવેલ ઈન્ફ્લુએન્સરે લગ્ન પછી ફરવા માટે દુનિયાની સૌથી વિરાન જગ્યા પસંદ કરી. ટ્રાવેલ ઈન્ફ્લુએન્સરે સહારા રણની વચ્ચે વિશ્વની સૌથી ખતરનાક 2 કિમી લાંબી આયર્ન ટ્રેન પર પોતાના લગ્નની તસવીરો ક્લિક કરાવી. ક્રોએશિયાના ક્રિસ્ટિજન ઇલિસિક (35) અને તેની બ્લોગર પત્ની એન્ડ્રિયા ટ્રગોવેસેવિક (29)એ વિશ્વનું સૌથી અજીબોગરીબ અને ખતરનાર પોસ્ટ-વેડિંગ ફોટોશૂટ કરાવ્યું છે. નવપરિણીત કપલ પોતાનું હનિમૂન ‘યુનિક’ બનાવવા માગતું હતું. તેના માટે આ કપલે કઠોર પરિસ્થિતિઓની વચ્ચે 20 કલાકની ‘ગંદી’ મુસાફરી માટે સૌથી ભારે, અત્યંત લાંબી અને દુનિયાની સૌથી ખતરનાક માલગાડી, ટ્રેન ડૂ ડેઝર્ટ પર રવાના થયું.
આ માલગાડી સૌથી જોખમકારક માનવામાં આવે છે. ક્યારેક ક્યારેક પેસેન્જર કાર પણ આ માલગાડી સાથે જોડવામાં આવે છે. મોરિટાનિયાના લોકો ખતરનાક રીતે લોંખડથી ભરેલી માલવાહક કારની ઉપર મફતમાં સવારી કરવાનું પસંદ કરે છે. તેથી અહીં ટ્રેનથી પડવાથી ઘટનાઓ સામાન્ય છે અને રણનું તાપમાન દિવસમાં 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ અને રાતે ઝીરો ડિગ્રી સેલ્સિયસથી ઓછું થઈ જાય છે.
ક્રિસ્ટિજને આ તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. ક્રિસ્ટિજનના જણાવ્યા પ્રમાણે, ‘અમે લગ્ન કર્યા અને લોકોની અપેક્ષાથી એકદમ અલગ હનિમૂન પર જવાનું નક્કી કર્યું.’ સો.મીડિયા પર તેના 3 લાખથી વધુ ફોલોઅર્સ છે.
કપલે જણાવ્યું કે, અમે ઈચ્છતા હતા કે અમારું હનિમૂન એકદમ યુનિક અને ખાસ હોય. કંઈક એવું જે અમને આખી જિંદગી યાદ રહે. તેથી સફેદ રેત, સમુદ્ર અને તાડના વૃક્ષોની વચ્ચે આ શક્ય નહોતું. હું દુનિયાના 150થી વધુ દેશો ફરી ચૂક્યો છે. અમે બંને દુનિયાના ઘણા સુંદર બીચ જોઈ ચૂક્યા છીએ. ટ્રાવેલ ઈન્ફ્લુએન્સરે જણાવ્યું કે, આ વખતે કંઈક અલગ કરવા માટે અમે મોરિટાનિયા પસંદ કર્યું.