Google: એન્ટિ-ટ્રસ્ટ નિયમોનું ઉલ્લંઘન, ગૂગલને ફરી 2.4 બિલિયન યુરોનો દંડ
Google: ગૂગલ પર 2.4 બિલિયન યુરો એટલે કે અંદાજે 26,000 કરોડ રૂપિયાનો જંગી દંડ ફટકારવામાં આવ્યો છે. યુકેની કોર્ટમાં 15 વર્ષથી ચાલી રહેલા મામલામાં ગૂગલ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તેના નિર્ણયમાં, યુરોપિયન કોર્ટ ઑફ જસ્ટિસે ગૂગલને માર્કેટ પાવરના દુરુપયોગ માટે દોષી ઠેરવ્યું છે. રિપોર્ટ અનુસાર, ગૂગલે તેની શોપિંગ સર્વિસની તરફેણ કરવા માટે માર્કેટ પાવરનો ઉપયોગ કર્યો છે. યુકેના બિઝનેસ કપલ શિવાન અને એડમ રાફે 15 વર્ષ પહેલા આ અંગે કેસ દાખલ કર્યો હતો.
એન્ટિ-ટ્રસ્ટ નિયમોનું ઉલ્લંઘન
યુરોપિયન કોર્ટે 2017માં આપેલા યુરોપિયન કમિશનના એન્ટિ-ટ્રસ્ટ વાયોલેશન નિર્ણયને યથાવત રાખતા ગૂગલને દંડ ફટકાર્યો છે. ટેક કંપનીએ આ મામલાને લઈને ઘણી વખત કોર્ટમાં અપીલ કરી છે, જે બાદ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે અને યુરોપિયન કમિશનના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. અદાલતે શોધી કાઢ્યું હતું કે ટેક કંપનીએ તેની શોપિંગ સેવાને ફાયદો પહોંચાડવા માટે તેના સર્ચ એન્જિનના અલ્ગોરિધમનો દુરુપયોગ કર્યો હતો, જે એન્ટિ-ટ્રસ્ટ નિયમોનું ઉલ્લંઘન છે.
આ લડાઈ 15 વર્ષ સુધી ચાલી
યુકે બિઝનેસ કપલ છેલ્લા 15 વર્ષથી ગૂગલ સામે આ જંગ લડી રહ્યું હતું. બિઝનેસ દંપતીએ 2006માં ફાઉન્ડેમ લોન્ચ કર્યું, જેણે યુઝર્સને ઈલેક્ટ્રોનિક્સ, ફ્લાઈટ્સ અને અન્ય સામાન પર સોદા શોધવામાં મદદ કરી. ગૂગલના એલ્ગોરિધમના કારણે, વેબસાઈટ ગૂગલ સર્ચ પરિણામોમાં દેખાઈ રહી ન હતી, જેના કારણે ફાઉન્ડેમની આવક પર નકારાત્મક અસર પડી હતી અને કંપનીને એફિલિએટ ક્લિક્સ અને પ્રોડક્ટ લિસ્ટિંગમાં પણ આવક ગુમાવવી પડી હતી.
શરૂઆતમાં, એડમ રોફને કહેવામાં આવ્યું હતું કે તેની વેબસાઇટમાં કોઈ સમસ્યા છે, જેના કારણે તેને ગૂગલ સર્ચના ઓટોમેટિક ફિલ્ટરમાં સ્પામ જાહેર કરવામાં આવી હતી. દંપતીએ આ મુદ્દાને લઈને ઘણી વખત ગૂગલને અપીલ કરી હતી, પરંતુ કોઈ ઉકેલ મળ્યો ન હતો. જો કે, આ સમયગાળા દરમિયાન દંપતીની સાઇટના પ્રદર્શનને અન્ય સર્ચ એન્જિન પર અસર થઈ ન હતી. ફાઉન્ડેમને ડિસેમ્બર 2008માં યુકેની શ્રેષ્ઠ કિંમત સરખામણી વેબસાઇટ તરીકે મત આપવામાં આવ્યો હતો. જો કે, ગૂગલના અલ્ગોરિધમના કારણે, વેબસાઈટને દિવસેને દિવસે તકલીફ થવા લાગી, જેના પછી વેપારી દંપતીએ કોર્ટનો સંપર્ક કર્યો.