PM Modiએ ઈરાનના રાષ્ટ્રપતિ પેજેશ્કિયન સાથે મુલાકાત કરી, આ મુદ્દાઓ પર ચર્ચા કરી
PM Modi: રશિયાના કઝાન શહેરમાં બ્રિક્સ સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કઝાન પહોંચી ગયા છે. PM મોદીએ કઝાનમાં BRICS સમિટ દરમિયાન ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયન સાથે મુલાકાત કરી હતી. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવ વચ્ચે, પેજેશ્કિયાને પશ્ચિમ એશિયામાં શાંતિની જરૂરિયાત અને તમામ પક્ષો સાથેના સારા સંબંધોને કારણે સંઘર્ષને ઘટાડવામાં ભારતની ભૂમિકા પર ભાર મૂક્યો હતો.
PM Modi: ચૂંટણી જીતીને ઈરાનના રાષ્ટ્રપતિ બનેલા પેજેશ્કિયન અને પીએમ મોદી વચ્ચે આ પહેલી મુલાકાત છે. બંને નેતાઓએ ચાબહાર પોર્ટ અને ઈન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર (INSTC) સહિતના મહત્ત્વના ક્ષેત્રોમાં સહયોગને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી.
‘બંને નેતાઓએ પશ્ચિમ એશિયાની સ્થિતિ પર પણ ચર્ચા કરી’
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે પીએમ મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ પેજેશ્કિયન વચ્ચે “અર્થપૂર્ણ ચર્ચા” થઈ. બંને નેતાઓએ પશ્ચિમ એશિયાની સ્થિતિ પર પણ ચર્ચા કરી હતી, વડા પ્રધાન મોદીએ વધતા જતા સંઘર્ષ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી અને તણાવ ઘટાડવા માટે વાતચીત અને રાજનીતિની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
વિવિધ ક્ષેત્રોમાં સહકારને વધુ મજબૂત કરવાની રીતો પર ચર્ચા કરી
વિદેશ સચિવે કહ્યું કે રાષ્ટ્રપતિ પેજેશ્કિયાને આ ક્ષેત્રમાં શાંતિ અને સૌહાર્દની જરૂરિયાત પર ભાર મૂક્યો અને કહ્યું કે ભારત તમામ સંબંધિત પક્ષો સાથેના સારા સંબંધોને કારણે સંઘર્ષ ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિને તેમની તાજેતરની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ઈરાન સાથે વર્ષો જૂના દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. બંને નેતાઓએ વિવિધ ક્ષેત્રોમાં સહકારને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી.