કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન જાહેરકરવામાં આવ્યું છે,જેથી લૉકડાઉનને પગલે વાહનો અને કારખાનાઓનાં ધુમાડાથી ફેલાતું પ્રદૂષણ ઘટયું છે. જેને પગલે હવામાં ભળતાં અને ગરમી વધારતા ઝેરી ગેસનું પ્રમાણ ઘટ્યુ છે, તેની સાથે વાતાવરણ સૂકું રહેતાં ભેજના પ્રમાણમાં ઘટાડો થતાં બફારામાં ઘટાડો થતાં ગરમીનો પારો 40 ડિગ્રી હોવા છતાં ગરમીની અસર વર્તાતી નથી. પરંતુ, આગામી ચાર દિવસોમાં અમદાવાદ સહિત રાજ્યનાં મોટભાગનાં વિસ્તારોમાં ગરમીનો પારો વધીને 42થી 43 ડિગ્રી પાર કરી જાય તેવી વકી હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે.
એર ક્વોલિટીમાં સુધારો થયો
હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલનાં જણાવ્યાં મુજબ, ધૂમાડામાંથી નીકળતા ઝેરી ગેસની વાતાવરણ અસર થતી હોય છે. છેલ્લાં 12 દિવસથી શહેરમાં લૉકડાઉનને કારણે એર ક્વોલિટીમાં સુધારો થવાની સાથે સુકા વાતાવરણ વચ્ચે ભેજનું પ્રમાણ ઘટતાં ગરમીનો પારો 40 ડિગ્રી હોવા છતાં ગરમી ઓછી વર્તાય છે.
ભેજનું પ્રમાણ 46 ટકા હતું, જે ઘટીને 21 ટકાએ પહોંચ્યું
ગત 8 એપ્રિલે અમદાવાદમાં ભેજનું પ્રમાણ 46 ટકા હતું, જે ઘટીને 10 એપ્રિલે 21 ટકાએ પહોંચ્યું છે, જેથી ગરમી હોવા છતાં બફારાનો અનુભવ થતો નથી. જો કે, આગામી ચાર દિવસો દરમિયાન અમદાવાદ સહિત રાજ્યનાં મોટભાગનાં શહેરોમાં ગરમીનો પારો 42થી 43 ડિગ્રી પાર કરી જાય તેવી શક્યતા છે. ખાસ કરીને સોરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગરમીનો પારો 43 ડિગ્રી અને અમદાવાદમાં 42 ડિગ્રી પાર કરી જશે, તેમજ સોરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં દરિયાકાંઠાના વિસ્તારોમાં હિટવેવનું મોજુ ફરી વળવાની પ્રબળ શક્યતા છે.
વાહનો અને કારખાનાના ધૂમાડાના ઝેરી વાયુ બંધ
લૉકડાઉનથી શહેરમાં વાહનવ્યહાર અને કારખાના બંધ હોવાથી વાતાવરણમાં ભળતા કાર્બન ડાયોકસાઇડ, કાર્બન મોનોકસાઇડ, નાઇટ્રેટ ઓક્સાઇડ અને ઓઝોન જેવા ઝેરી વાયનું પ્રમાણ એકદમ ઘટી જતાં એર કવોલીટીમાં સુધારો થયો છે. આ ઝેરી વાયુ વાતાવરણમાં ભળવાથી ગરમીમાં વધારો થતો હોય છે, જયારે છેલ્લાં 12 દિવસથી વાહનો અને કારખાનાઓ બંધ હોવાથી ઝેરી વાયુનું પ્રમાણ ઘટી ગયું છે. તેમજ રાજ્યમાં સુકા પવનો વચ્ચે ભેજમાં ઘટાડો થતાં ગરમી હોય તેટલી અનુભવાતી નથી, જેને રિયલ ફિલ’કહે છે.
અમદાવાદમાં ચાર દિવસમાં પારો 42 ડિગ્રી પાર કરશે
સુકા પવનોની અસરથી આગામી ચાર દિવસોમાં અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રી કે તેને પાર કરી જશે. શનિવારથી અમદાવાદમાં ગરમીનો પારો વધીને 41 અને આગામી ત્રણ દિવસમાં 42 ડિગ્રીને પાર કરી જાય તેવી શક્યતા છે.