તાજેતરમાં જ અમેરિકામાં એક ઝૂમાં બંધ વાઘને કોરોના વાયરસ થઈ ગયો હતો. આથી લોકોએ એવી અનેક તસવીરો શૅર કરી હતી. જેમાં જાનવરો ઝૂમાં બંધ થયેલા જોવા મળ્યા હતાં. આ તસવીરોથી લોકો એવો સંદેશો આપતા હતાં કે આપણે તો બસ થોડા દિવસો જ લોકડાઉન થયા છે, આ બીચારા જંગલી જાનવરો તો પ્રાણીસંગ્રહાલયમાં આપણે ક્યારના લોકડાઉન રાખ્યા છે. આ પરિસ્થિતિમાં આંધ્રપ્રદેશથી એક ન્યૂઝ આવ્યાં છે. આંધ્રપ્રદેશના કાલુર મંડલમાં એક વ્યક્તિએ પોતાની બકરીઓને બચાવવા માટે માસ્ક પહેરાવ્યાં છે.
વેંકટેશ્વર રાવ કાલૂર મંડલનો રહેવાસી છે. તેમણે જણાવ્યું કે મારી પાસે હાલ 20 બકરી છે. મારી પાસે ગુજરાન ચલાવવા માટે ખેતર નથી. અમારા ઘરનું ગુજરાન આ બકરીઓથી જ થાય છે. કોરોના વાઇરસના કેસ સાંભળ્યા બાદ મેં બધી બકરીઓને મોઢા પર માસ્ક પહેરાવ્યા છે. અમેરિકામાં વાઘનો રિપોર્ટ પોઝિટિવ આવતા મારો ડર વધી ગયો હતો. હું પોતે પણ માસ્ક પહેરું છું અને બકરીઓને જ્યારે ચરવા લઇ જાઉં છું ત્યારે તેમને પણ હું ચોક્કસથી પહેરાવું છું.
નોંધનીય છે કે ચીનના વુહાનથી ફેલાયેલો આ વાયરસ જ્યારે ત્યાં પણ કહેર વરસાવી રહ્યો હતો ત્યારે એવી અનેક તસવીરો સામે આવી હતી જ્યાં લોકોએ પોતાના પાલતુ જાનવરોને માસ્ક પહેરાવ્યા હતાં.