રામાનંદ સાગરની રામાયણનું થોડાં સમય પહેલાં લોકડાઉનને કારણે રિ-ટેલિકાસ્ટ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે રામાયણમમાં સુગ્રીવનો રોલ નિભાવનાર કલાકાર શ્યામ સુંદર કલાનીનું નિધન થઈ ગયું છે. એવું કહેવાય છે કે, તેઓ લાંબા સમયથી બીમારી હતા. તમને જણાવી દઈએ કે, શ્યામ સુંદર કલાનીએ રામાયણથી જ એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.
રામાયણમાં રામની ભૂમિકા નિભાવતા અરુણ ગોવિલે એક ટ્વીટ કરી તેમની આત્માને શાંતિ માટે કામના કરી છે. અરુણ ગોવિલે લખ્યું છે કે, શ્યામ સુંદરજીના નિધનની ખબર સાંભળી અત્યંત દુખ થયું. તેમણે રામાનંદ સાગરની રામાયણમાં સુગ્રીવની ભૂમિકા નિભાવી હતી. તેઓ એક શાનદાર અને સજ્જન વ્યક્તિ હતા. તેમની આત્માને ઈશ્વર શાંતિ આપે. અરુણ ગોવિલના આ ટ્વીટ પર પ્રશંસકોએ ઘણા ટ્વીટ કર્યા છે.
જ્યારે લક્ષ્મણનો રોલ પ્લે કરનારા સુનીલ લહરીએ પણ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે. તેણે લખ્યું- સુગ્રીવ તથા બાલીનો રોલ પ્લે કરનાર શ્યામ કલાનીના નિધન પર દુઃખ થયું. પરિવારને ભગવાન આ સંકટ સમયને સહન કરવાની શક્તિ આપે અને તેમના આત્માને શાંતિ આપે.
આપને જણાવી દઈએ કે રામાનંદ સાગરની સુપ્રસિદ્ધ સીરિયલ ‘રામાયણ’ ત્રણ દાયકાથી વધુ જૂની છે અને તેણે હિન્દી જીઈસી શો માટે સૌથી વધુ રેટિંગ મેળવીને 2015 પછી નાના પડદે ઐતિહાસિક પુનરાગમન કર્યું હતું. બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (બીઆરસી)ની એક રિપોર્ટ મુજબ, ‘રામાયણ’ના ગયા વીકેન્ડના ચાર શોમાં 170 મિલિયન દર્શકો જોડાયા હતા.