અમદાવાદમાં એક જ દિવસમાં કોરોના પોઝિટિવ 50 કેસ સામે આવ્યા છે ત્યારે કોર્પોરેશન દ્વારા આ વ્યક્તિઓનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતુ જેનાથી આ વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકો કોર્પોરેશનની હેલ્થવિભાગનો સંપર્ક કરી શકે.
જેમાં 50માંથી 40 દર્દીઓ તો એવા નોંધાયા છે. જેમનામાં કોરોનાના લક્ષણો દેખાયા પણ ન હતા. પરંતુ કોટ વિસ્તારના બફર ઝોનમાં આરોગ્ય વિભાગની ચકાસણીમાં આ કોરોનાના પોઝીટીવ કેસના દર્દીઓ મળી આવ્યા છે.
શહેરમાં દાણીલીમડા, જમાલપુર, દરિયાપુરમાં સૌથી વધુ પોઝીટીવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત શહેરના 14 વિસ્તારમાં કલસ્ટર કવોરન્ટીન જાહેર કરાયા છે.જોકે શહેરમા જે 50 કેસ નોંધાયા તે દર્દીઓ શાહપુર, ઘોડાસર, જોધપુર, આસ્ટોડિયા, દાણીલીમડા, ગોમતીપુર, દરિયાપુર જમાલપુર, આંબાવાડી, થલતેજ અને મણિનગરનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં કોરોના વાયરસના 245 કેસ નોંધાઈ ચુક્યા છે જેમાં એકલા અમદાવાદમાં જ 133 કેસ નોંધાયા છે અને 16 મોતમાંથી એકલા અમદાવાદમાં જ 6 લોકોના મોત થઈ ચુક્યા છે. ત્યારે આજે એક જ દિવસમાં કોરોના વાયરસના 50 કેસ નોંધાયા છે. મનપાએ દર્દીઓનું લિસ્ટ જાહેર કર્યુ છે. જેનો આશય એવો છે કે તમે એ લોકોના સંપર્કમાં આવ્યા હોવ તો તમારી સારવાર કરાવી લો જેથી કોરના વાયરસના સાઈલેન્ટ કેરિયર ન બની જાઓ.