કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં પગપેસારો કર્યો છે. દુનિયાભરમાં લાખો લોકો આ વાયરસથી સંક્રમિત થયા છે અને હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ભારતમાં પણ જીવલેણ કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે બોલિવૂડ પ્રોડ્યૂસર કરીમ મોરાનીનો કોરોનાવાઈરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેની બંને દીકરીઓના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યા હતાં. કરીમ મોરાની હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. નોંધનીય છે કે કરીમ મોરાની તથા શાહરુખ ખાન ખાસ મિત્રો છે. અંગ્રેજી અખબાર મુંબઈ મીરર સાથેની વાતચીતમાં કરીમ મોરાનીના ભાઈ મોહમ્મદ મોરાનીએ કહ્યું હતું કે તેના ભાઈનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ઘરમાં બંને દીકરીઓ પોઝિટિવ હોવાથી પરિવારનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. હાલમાં તેનો ભાઈ કરીમ નાણાવટી હોસ્પિટલમાં એડમિટ છે. ઉલ્લેખનીય છે કે કરીમ મોરાનીની નાની દીકરી શાઝા પણ આ જ હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. જ્યારે મોટી દીકરી ઝોયા કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં છે.
બંને દીકરીઓના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતાં
કરીમ મોરાનીની પુત્રી શાજા મોરાનીને સૌથી પહેલા કોરોનાના લક્ષણ બાદ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. શાજાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ તેની બીજી દીકરી જોયા મોરાનીને પણ કોરોના વાયરસ સંક્રમણ પોઝિટિવ આવ્યો હતો. બન્ને દીકરીઓના કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમના પુરા પરિવારનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. સોમવારે સવારે પહેલા કરીમ મોરાનીની દીકરી શાજા મોરાનીનો મુંબઇની નાનાવટી હોસ્પિટલમાં ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તે કોરોના પોઝિટિવ આવી હતી. બપોર બાદ તેની બીજી દીકરી જોયા મોરાનીને પણ આ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જ્યા તપાસ બાદ તે પણ પોઝિટિવ આવી હતી. બન્ને દીકરીઓ બાદ હવે કરીમ મોરાની પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.
કરીમ મોરાનીએ આ ફિલ્મ પ્રોડ્યૂસ કરી છે
કરીમ મોરાનીએ ‘રા.વન’, ‘ચેન્નઈ એક્સપ્રેસ’, ‘હેપી ન્યૂ યર’ તથા ‘દિલવાલે’ સહિતની ફિલ્મ પ્રોડ્યૂસ કરી છે. ઝોયાએ શાહરુખ ખાનની ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’માં આસિસ્ટન્ટ ડિરેક્ટરથી કરિયરની શરૂઆત કરી હતી. તે અજય દેવગન તથા વિદ્યા બાલનની ફિલ્મ ‘હલ્લા બોલ’માં પણ આસિસ્ટન્ટ ડિરેક્ટર હતી. ઝોયાએ વર્ષ 2011માં ‘ઓલવેઝ કભી કભી’માં કામ કર્યું હતું. ફિલ્મમાં અલી ફઝલ લીડ રોલમાં હતો. કુનાલ ખેમુ સાથે ‘ભાગ જોની’માં કામ કર્યું હતું. તેની નાની બહેન શાઝા લાઈમ લાઈટથી દૂર રહે છે. ઉલ્લેખનીય છે કે બોલિવૂડમાં આ પહેલાં સિંગર કનિકા કપૂરને કોરોનાવાઈરસ થયો હતો અને તેને રજા આપી દેવામાં આવી છે. હાલમાં જ લંડનમાં રહેતા બોલિવૂડ એક્ટર પૂરબ કોહલીએ પરિવારને કોરોનાવાઈરસ થયો હોવાની પોસ્ટ કરી હતી. હાલમાં તેઓ ઠીક છે અને સેલ્ફ ક્વૉરન્ટીન પીરિયડમાંથી બહાર આવી ગયા હોવાનું કહ્યું હતું.