Airtel: 2 સેકન્ડમાં પકડાઈ જશે ‘ડિજિટલ ચોર’, આવતીકાલે રાત્રે 12 વાગ્યાથી મોબાઈલ પર થશે આ સેવા, જાણો વિગત
ભારતી એરટેલના યુઝર્સ માટે એક સારા સમાચાર છે. ગ્રાહકોને ડિજિટલ ફ્રોડથી બચાવવા માટે કંપનીએ ખાસ પહેલ કરી છે. ભારતી એરટેલ નકલી કોલ્સ અને મેસેજને રોકવા માટે તેના નેટવર્ક પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત ટેક્નોલોજી લાગુ કરવા માટે સંપૂર્ણ તૈયારી કરી રહી છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ગોપાલ વિટ્ટલે જણાવ્યું હતું કે આ ટેક્નોલોજી 26 સપ્ટેમ્બરની મધ્યરાત્રિથી શરૂ કરવામાં આવશે, જે વપરાશકર્તાઓને સંભવિત નકલી (સ્પામ) કૉલ્સ અને સંદેશાઓ વિશે ચેતવણી આપશે.
કંપનીના CEOએ કહ્યું, “ઘણા એવા સંકેતો છે જેના આધારે અમે આ નકલી ગેંગ ચલાવનારાઓની ઓળખ કરી છે. અમે AI-સંચાલિત ‘સ્પામ શોધ’ ઉકેલ વિકસાવ્યો છે. તે બે મિલીસેકન્ડમાં કોલનું વિશ્લેષણ કરે છે અને ડાયલર પર યુઝર્સને એલર્ટ કરે છે.
તેમણે કહ્યું કે આ સુવિધા તમામ એરટેલ સ્માર્ટફોન યુઝર્સ માટે ફ્રી હશે. વિટ્ટલે કહ્યું કે આ ટેક્નોલોજી પોતે કોલને બ્લૉક નહીં કરે, પરંતુ તેને બ્લૉક કરવાનો નિર્ણય યૂઝરે લેવો પડશે, કારણ કે ક્યારેક રિયલ કૉલ્સ પણ ફેક કૉલ તરીકે પ્રદર્શિત થાય છે.
હાલમાં જ એરટેલે તેની યાદીમાં રૂ. 26નો નવો પ્લાન ઉમેર્યો છે. આ પ્લાનમાં ગ્રાહકોને 1.5 GB હાઇ-સ્પીડ ડેટા મળે છે. કંપનીએ આ પ્લાનને તેના ‘ડેટા પેક’ની યાદીમાં રાખ્યો છે. જોકે, આ પ્લાનની વેલિડિટી માત્ર એક દિવસની છે.