ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે સૌથી વધુ કેસ અમદાવાદમાં વધી રહ્યા છે. હાલ અમદાવાદમાં કુલ 45 કેસ કોરોનાના નોંધાઇ ચૂક્યા છે. જેમાંથી 5ના મોત અને 5 સાજા થઇ ચૂક્યા છે. કોરોના વાયરસની મહામારીને માત આપવા માટે થઈને હવે અમદાવાદ શહેર પોલીસ વધુ કડક બની છે. તમામ સરકારી વિભાગો હાલ કાર્યરત છે, બીજી તરફ સમગ્ર રાષ્ટ્રમાં હાલ લોકડાઉનનો માહોલ છે તેવામાં ઘણા એવા શહેરીજનો પણ છે જે હજી પણ લોકડાઉનના નિયમોનો સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે. તેવામાં અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
અમદાવાદને હોટ સ્પોટ જાહેર કરાયું છે. તો શહેરના 5 જેટલા વિસ્તારોને ક્વોરેન્ટાઇન પણ કરી દેવાયા છે. કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે લૉકડાઉન અને ક્વોરેન્ટાઇનનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. તેમ છતા પણ કોરોનાના કેસ વધતા અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટીયા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવાયું છે કે, અમદાવાદ શહેરમાં તમામ પ્રકારના વાહનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આવશ્યક ચીજવસ્તુઓની હેરફેર કરી શકાશે. શહેરમાં આજ મધ્યરાત્રિ 12 વાગ્યાથી 14 એપ્રિલ સુધી તમામ પ્રકારના ખાનગી વાહનની અવર-જવર પર પ્રતિબંધ રહેશે.
મહત્વનું છે કે, ગુજરાતમાં આજ સુધીમાં કુલ 108 કોરોના વાયરસના કેસ નોંધાયા છે. જેમાંથી અત્યાર સુધીમાં 10 લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે 14 જેટલા દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે.