દેશ અને દુનિયામાં દિવસે-દિવસે કોરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે.વાત કરીએ ગુજરાતની તો અમદાવાદમાં એક સાથે 8 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. જેથી અમદાવાદના કુલ 31 કેસ નોંધાયા છે. જેમાંથી 3 લોકોના મોત નિપજ્યાં છે જ્યારે 5 લોકો સાજા થયા છે. બાદમાં આજે સુરતના 2, પોરબંદરના 2 અને પંચમહાલમાં 1 કેસ નોંધાયો છે. આમ, રાજ્યમાં કુલ 87 કોરોનાના કેસ નોંધાયા છે. ત્યારે AMC દ્વારા અમદાવાદના કોરોના પોઝિટિવ દર્દીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે.
અમદાવાદને કોરોના વાયરસનું એપી સેન્ટર જાહેર કર્યા બાદ અમદાવાદમાં કોરોના પોઝિટીવ દર્દીના નામ જાહેર કર્યા છે. AMC દ્વારા તમામ દર્દીઓનું લીસ્ટ જાહેર કરાયું છે અને જો કોઈ નાગરિક દર્દીઓના સંપર્કમાં આવ્યો હોય તો તેની જાણ કરવાની રહેશે. તાત્કાલિક આરોગ્ય વિભાગને જાણ કરવા માટે અપીલ કરવામાં આવી છે. જોકે નામ જાહેર થયેલા દર્દીઓ સાથે કોઇ દુર્વ્યવ્હાર કરાશે નહીં.
ગુજરાતમાં કોરોના વાયરસ અંગે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ સાંજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું કે;ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 87 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 6 દર્દીના મોત થયા છે. જ્યારે 7 દર્દીઓ સાજા થયા છે. જેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.જયંતિ રવિએ જણાવ્યું કે, આજે 95 નમૂના લેવામાં આવ્યા છે. જેમાંથી 75 નેગેટિવ આવ્યા છે. અત્યાર સુધીમાં 1726 લોકોના ટેસ્ટ કરાયા છે જેમાંથી 1628 નેગેટિવ આવ્યા છે. જ્યારે 11 કેસ પેન્ડિંગ છે. જોકે 71 દર્દીઓની તબિયત હાલ સ્થિર છે. અમદાવાદના એક 57 વર્ષીય મહિલાને ડિસ્ચાર્જ કરાયા છે. જ્યારે રાજકોટના પ્રથમ કેસ પોઝિટીવ નોંધાયો હતો તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
અત્યાર સુધીમાં અમદાવાદમાં 31, સુરતમાં 12, રાજકોટમાં 10, વડોદરામાં 9, ગાંધીનગરમાં 11, ભાવનગરમાં 6, કચ્છમાં 1, મહેસાણામાં 1, ગીરસોમનાથમાં 2, પોરબંદરમાં 3 અને પંચમહાલમાં 1 આમ રાજ્યમાં કુલ 87 કેસ નોંધાયા છે.