ઈન્ડોનેશિયામાં હાલમાં આવેલા ભૂકંપ અને સુનામીએ ભારે તબાહી મચાવી છે. સરકારી આંકડા મુજબ સુનામીને કારણે 800થી વધુ લોકોના મોત થયા છે. સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેથી મૃત્યુઆંક હજી પણ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઈન્ડોનેશિયામાં આવેલા ભૂકંપનું કેન્દ્ર બિંદુ સુલાવેસી દ્વીપમાં હતું.
ગત શુક્રવારે અહીં તીવ્ર ભૂકંપ અનુભવાયો હતો. આ ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 7.5 નોંધાઈ હતી. ત્યારબાદ સમુદ્રમાં 10 ભૂટ જેટલા ઉંચા મોજા ઉછળ્યા હતા. જેના લીધે ટાપુ પર ભારે વિનાશ સર્જાયો હતો. આ ભયાનક સુનામીને કારણે ટાપુ પર આવેલા અનેક ઘર બરબાદ થયા છે. કાટમાળમાં દબાયેલા અનેક લોકોનું રાહત અને બચાવકાર્ય હજી પણ ચાલી રહ્યું છે.
ભૂકંપ અને ત્યારબાદ આવેલી સુનામીને કારણે સૌથી વધુ નુકસાન ઈન્ડોનેશિયાના પાલૂ અને ડોંગલા શહેરોમાં થયું છે. વિજળી અને સંચારની વ્યવસ્થા સદંતર ઠપ્પ થઈ છે. જેના લીધે પ્રભાવિત લોકો સુધી મદદ પહોંચાડવામાં સ્વયંસેવકોને તકલીફનો સામનો કરવો પડે છે. સાથે જ સત્તાવાર મૃત્યુઆંકનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ બની રહ્યો છે. અન્ય શહેરોમાં પણ સુનામીને કારણે નુકસાન થયું છે.
ઈન્ડોનેશિયામાં અવારનવાર આવે છે ભૂકંપ અને સુનામી
ઈન્ડોનેશિયામાં સતત આવતા ભૂકંપ અને સુનામી ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. ચાલુ વર્ષના ઓગસ્ટ મહિનામાં લોમબોક ટાપુમાં ભૂકંપના અનેક આંચકા અનુભવાયા હતા. જેમાં સૌથી વધુ આંચકો 6.2ની તિવ્રતાનો અનુભવાયો હતો. જેમાં 500થી વધુ લોકોના મોત થયા હતા. ઈન્ડોનેશિયાના ઈતિહાસમાં થોડા પાછળ જઈએ તો, વર્ષ 2010માં 7.5ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ સુમાત્રાના કાંઠાના વિસ્તારોમાં ભયાનક સુનામી આવી હતી. જેમાં 400થી વધુ લોકોના મોત થયા હતા. આ ભૂકંપમાં જ જાવા દ્વીપમાં 600થી વધુ લોકોએ તેમના જીવ ગુમાવ્યા હતા.
ઈન્ડોનેશિયા, જાવા અને સુમાત્રા જેવા દેશોમાં આવી ઘટનાઓ વારંવાર એટલા માટે સર્જાય છે કારણકે આ પ્રદેશ ‘રિંગ ઓફ ફાયર’વિસ્તારમાં આવેલો છે. પ્રશાંત મહાસાસગરના કિનારે સ્થિત આ વિસ્તાર વિશ્વનો સૌથી ખતરનાક ભૂ-ભાગ છે.
શું છે રિંગ ઓફ ફાયર?
ઈન્ડોનેશિયા એક્ટિવ ભૂકંપ ઝોનમાં આવેલો દેશ છે. જેથી અહીં અવારનવાર ભૂકંપ આવે છે અને જેની તિવ્રતા રિક્ટર સ્કેલ પર ઘણી ઉંચી નોંધાય છે. ઈન્ડોનેશિયા પ્રશાંત મહાસાગરમાં સ્થિત રિંગ ઓફ ફાયરનો એક ભાગ છે.
રિંગ ઓફ ફાયર પ્રશાંત મહાસાગરનો બેસિન વિસ્તાર છે. જ્યાં અનેક જ્વાળામુખી સક્રિય છે. જેના ફાટવાને કારણે તિવ્ર ભૂકંપ અનુભવાય છે. અને ભૂકંપને કારણે સમુદ્રમાં સુનામી ઉદભવે છે. ઉલ્લેખનીય છે કે, રિંગ ઓફ ફાયરનો આ વિસ્તાર આશરે 40 હજાર કિલોમીટરમાં ફેલાયેલો છે. વિશ્વના કુલ સક્રિય જ્વાળામુખીના 75 ટકા જ્વાળામુખી અહીં જ આવેલા છે.
અમેરિકાના જિયોલોજીકલ સર્વેના એક રિપોર્ટમાં જણાવ્યા મુજબ વિશ્વમાં આવતા કુલ ભૂકંપના 90 ટકા ભૂકંપ આ વિસ્તારમાં આવે છે. અને તિવ્ર ભૂકંપના 81 ટકા ભૂકંપ આ વિસ્તારમાં આવે છે. અહીં આવતા ભૂકંપની સીધી અસર ધરતીની નીચેની પ્લેટ પર થાય છે. જેના ખસવાનો સીધો સંબંધ સક્રિય જ્વાળામુખી સાથે રહેલો છે.
ઈન્ડોનેશિયામાં હાલમાં આવેલા ભૂકંપ અને સુનામીએ લોકોને 14 વર્ષ પહેલાની સુનામીની યાદ તાજી કરાવી છે. જ્યારે રિક્ટર સ્કેલ પર 9.1નો ભૂકંપ અનુભવાયો હતો અને સુનામી સર્જાઈ હતી. જેની સૌથી વધુ ખરાબ અસર સુમાત્રા પર વર્તાઈ હતી. આ સુનામી એટલી ખતરનાક હતી જેને વિશ્વના ઈતિહાસની સૌથી ખતરનાક કુદરતી આફત પૈકી એક માનવામાં આવે છે. જેની અસર 14 દેશો પર વર્તાઈ હતી. સુનામીની સૌથી વધુ અસર ઈન્ડોનેશિયા પર થઈ હતી. જેમાં 1 લાખ 68 હજાર લોકોએ તેમના જીવ ગુમાવ્યા હતા.