ગઈકાલે રાજ્યમાં પ્રથમ કેસ સામે આવ્યો છે જ્યાં કોરોના વાઈરસની પોઝિટિવ દર્દી સ્વસ્થ થઈ છે અને તેને SVP હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોરોનાથી સાજી થઈ અને ઘરે આવેલી યુવતીનું ફ્લેટના રહીશોએ થાળી, શંખ વગાડી સ્વાગત કર્યું હતું. 34 વર્ષીય દર્દીને 18 માર્ચે દાખલ કરવામાં આવી હતી. 10 દિવસની કાળજીપૂર્વકની સારવાર બાદ તેનો 24 કલાકમાં બે વાર રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે નેગેટિવ આવ્યો હતો.
રાજ્યના આરોગ્ય વિભાગે દર્દીને ડિસ્ચાર્જ કરવાનો લેટર ટ્વીટર પર શેર કરીને સત્તાવાર જાહેરાત કરી હતી. આ મહિલાને 18 માર્ચે શહેરની SVP હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ આવતા આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવી હતી. મહિલાની 10 દિવસ સારવાર કર્યા બાદ છેલ્લા 24 કલાક ઓબ્ઝરવેશનમાં રખાતા તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ હોસ્પિટલ તંત્ર દ્વારા ડિસ્ચાર્જ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસનો કહેર વિશ્વમાં ફેલાયો છે, ભારતની વાત કરીએ તો અત્યાર સુધીમાં 1000 થી વધુ લોકો કોરોના વાયરસના સંક્રમણનો ભોગ બની ચૂક્યા છે. આ તરફ ગુજરાતમાં પણ કોરોના વાયરસને કારણે 6 લોકોના મોત નિપજ્યા છે.