ગુજરાતમાં ધીરે ધીરે કોરોના વાયરસનો કહેર વધતો જોવા મળી રહ્યો છે તેને લઈને હવે રાજ્ય સરકાર સતર્ક થઈ છે.રાજ્યમાં સૌથી વધુ કોરોના વાયરસના પોઝિટિવ કેસ અમદાવાદમાં સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થવા સાથે મૃત્યુઆંક ચિંતાજનક રીતે વધી રહ્યો છે. તે જોતા લાગી રહ્યું છે કે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ મોટેરા ક્રિકેટ ગ્રાઉન્ડને હોસ્પિટલમાં ફેરવી દેવામાં આવી શકે છે..વિદેશ પ્રવાસ કરનારાઓની સાથોસાથ હવે એમના સીધા સ્પર્શ અને સંપર્કમાં આવનારાઓના ક્લસ્ટર સાથે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં કેટલાક કિસ્સામાં કમ્યુનિટી સ્પ્રેડના કિસ્સા વધી રહ્યા છે એવા સંજોગોમાં હજુ ગામડાંમાં પહોંચેલા લોકોમાં કેટલો ચેપ પ્રસર્યો છે એનો અંદાજો લગાવી શકાય એમ નથી, પરંતુ રાજ્યના આરોગ્ય વિભાગે કેટલાક રેડ ઝોન અને ક્લસ્ટર-કમ્યુનિટી સ્પ્રેડની સ્થિતિનું વિશ્લેષણ કરી કેટલીક આગોતરી તૈયારીઓને આખરી ઓપ આપવાની શરૂઆત કરી છે.સુત્રોના જણાવ્યા મુજબ, જો કોરોના વાયરસને લઈ અમદાવાદમાં સૌથી ગંભીર પરિસ્થિતિ ઉભી થાય તો વ્યાપક પ્રમાણમાં આઈસોલેશનની સાથે કોરેન્ટાઈન ફેસિલીટીની જરુરીયાતને પહોંચી વળવા અમદાવાદમાં 17 મોટી હોસ્ટેલ્સ તેમજ એનાથી વધારે જરૂર પડે તો મોટેરા સ્ટેડિયમમાં અદ્યતન કામચલાઉ ફેસિલિટી ઊભી કરવાની દિશામાં આયોજન શરૂ કરવામાં આવ્યું છે.