Budget: કેન્દ્રના નાણા મંત્રી નિર્મલા સિથારામને સાતમી વખત સંસદમાં બજેટ રજૂ કર્યું અને તેઓ ડો.મનમોહન સિંઘ કરતા તે રીતે આગળ નીકળી ગયા.બજેટની વેળાએ કેન્દ્રના ભૂતપૂર્વ નાણા મંત્રી સ્વ.અરુણ જેટલી સાથેની ૨૦૧૭માં થયેલી મુલાકાત યાદ આવી ગઈ.અમદાવાદની મુલાકાત દરમ્યાન તેમને વિચાર આવ્યો કે એકાદ કલાક જાણીતા પત્રકારો અને કોલમ લેખકોની જોડે વિચારોનું આદાનપ્રદાન કરું. અમદાવાદમાં તો કેટલાયે કેન્દ્રીય મંત્રીઓ અને જુદા જુદા ક્ષેત્રોની હસ્તી આવે છે પણ બહુ જુજને તેમના વ્યસ્ત શેડ્યુઅલમાં આવો વિચાર આવે. જ્ઞાનની ભૂખ અને શિક્ષણ સાથે બૌધ્ધિક સ્તર હોય તો જ આ શક્ય બને.અમને સર્કિટ હાઉસ એનેક્સીમાં આમંત્રણ આપવામાં આવ્યું. અરુણ જેટલી આપણા મનમાં જે
રાજકારણીની ઈમેજ છે તેનાથી વિપરીત કોઈ કોર્પોરેટ સી.ઇ.ઓ. કે ચહેરા પર દીક્ષિત હોય તેવી આભા ધરાવતા લાગ્યા.
પોતે અગ્રણી લોયર હતા એટલે તે રીતે પણ તેમને કલ્પી શકો.અરુણ જેટલીએ રાજકારણની ચર્ચામાં રસ ન બતાવ્યો પણ અમારી જોડે ટેકનોલોજીનો પ્રભાવ માનવજીવન અને મીડિયા પર કેવો પડ્યો છે તે અંગે વાત કરી.પ્રિન્ટ મીડિયા અને ન્યુઝ ચેનલ મીડિયાના ભાવિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી દૂરદર્શિતા બતાવી હતી. તેમણે કહ્યું હતું કે
“મારે ઘેર અને ઓફિસમાં રોજ સવારે લગભગ તમામ દેશ વિદેશના અખબારોની થપ્પી પડી હોય.
અગાઉ મારા વહેલા ઊઠવાનું તે કારણ બનતું પણ હવે સ્માર્ટ ફોન પર રાત્રે ઊંઘતા પહેલાં ખબર હોય છે કે બીજે દિવસે કયા સમાચાર હશે.સમાચારો પણ પોર્ટલ પર સ્માર્ટ ફોન પર વાંચી જાઉં.હા, આમ છતાં જૂની પેઢીનો હોઇ અખબાર વાંચું જ છું પણ ભવિષ્યમાં ટેકનોલોજી અકલ્પનીય પરિવર્તન લાવશે તેવું લાગે છે. તેમણે અમને વળતો સવાલ પૂછ્યો કે તમે બધા જમાના પ્રમાણે સજ્જ થાઓ છો કે કેમ? અમારા મંતવ્ય પણ લીધા.તે પછી તેમણે કહ્યું કે
“ચાલો નાસ્તા સાથે થોડી વાતો કરીએ.અમે જે હોલમાં બેઠા હતા
તે જ ખુરસી પર નાસ્તો આવે તો સરકારી મિટિંગ જેવું લાગે તેથી તેમણે બહાર પેસેજમાં વ્યવસ્થા કરવાની સૂચના આપી હતી.આમ અમે બુફેમાં મિક્સ ભજીયાની મજા માણી.અરુણ જેટલી બધાની નજીક જાય ,વાતો કરે અને તેમણે ભજીયા એક કરતા વધુ વખત લઈને મન ભરીને માણ્યા.પોતાને ઘણું ડાયાબિટીસ છે છતાં કોઈ વખત તક ઝડપી લે છે તેમ તેમણે હળવું સ્મિત વેરતા કહ્યું હતું.તસવીરમાં તેની બાજુમાં હું ચાલતા ચાલતા વાત કરી રહ્યો હતો ત્યારે અમે બંને કોઈ વાત પર પ્રસન્નતા અનુભવી રહ્યા છીએ તે જોઈ શકાય છે.
કેન્દ્રમાં અરુણ જેટલીએ પાંચ વખત બજેટ રજૂ કર્યું હતું.
૨૦૧૬-૧૭નાબજેટની લાંબી સ્પીચ દરમ્યાન તેમની નાદુરસ્ત તબિયત અને પીઠના દુખાવાને કારણે તેમણે સંસદ ગૃહમાં સીટ પર બેસીને જઈને વારંવાર પાણી પીતા બજેટ પૂરું કર્યું હતું.૨૦૧૪માં પણ તેમણે તેમની ચાલુ બજેટ સ્પીચ દરમ્યાન દુ:ખાવાને કારણે બ્રેક માંગતા સંસદ થોડી મિનિટો માટે વિખેરાઈ હતી.અરુણ જેટલીનું ૬૭ વર્ષની વયે ૨૦૧૯માં નિધન થયું હતું.
સૌથી વધુ બજેટ પેશ કરવાનો રેકોર્ડ મોરારજી દેસાઈના નામે છે તેમણે ૧૦ વખત ,ચિદંબરમે ૯, પ્રણવ મુખરજીએ ૮ ,યશવંત સિંહાએ ૮, વાય.બી. ચવાને અને સી. ડી.દેશમુખે ૭ અને ડો.મનમોહન સિંઘે ૬ વખત બજેટ પેશ કર્યું છે