કોરોના વાયરસના કહેર વચ્ચે હવે ગુજરાતમાં વરસાદની આગાહી કરાઇ છે. ગુજરાતમાં આગામી 24થી 27 માર્ચ સુધી કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. ત્યારે ગુજરાત માટે વાવાઝોડા સાથે કમોસમી વરસાદ ખતરો બનશે. સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સર્જાતા વાતાવરણમાં પલટો આવશે.
નોંધનીય છે કે, દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરાઇ છે.જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર અને ઉત્તર ગુજરાત, કચ્છમાં વરસાદ પડશે. 26 અને 27 માર્ચે વડોદરા, આણંદ, ખેડા, સુરત, નવસારીમાં વરસાદ પડી શકે છે. જ્યારે વલસાડ, તાપી, બોટાદ, ડાંગ, નર્મદા, દમણ દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરાઇ છે.
એક તરફ કોરોનાનો ભય વધી રહ્યો છે
ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ કાતિલ કોરોના વાયરસે એન્ટ્રી લઇ લીધી છે અને અત્યાર સુધીમાં ગુજરાતમાં 28 કેસ નોંધાયા છે. આ સાથે જ એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું છે ત્યારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરતા લોકોની ચિંતામાં વધારો થયો છે.
ખેડૂતોની ચિંતામાં થયો વધારો
જો માવઠું વધારે થશે તો રવિ પાકને પારવાર નુકસાન થઈ શકે છે. રવિ પાક ઉપરાંત કેરીમાં પણ નુકશાની થવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. લાંબુ ચોમાસું અને કમોસમી વરસાદના કારણે અગાઉથી જ ખેડૂતોની સ્થિતિ ખરાબ હતી આમ ફરીથી જો કમોસમી વરસાદ પડે તો ખેડૂતોને રોવાનો વારો આવે તેવી વકી છે.
કેરીના પાકને નુકસાન થવાનો ભય
ઉનાળો ધીમે-ધીમે એન્ટ્રી લઇ રહ્યો છે અને આંબા ઉપર કેરીના મોર પણ આવી ગયા છે ત્યારે રાજ્યમાં સર્જાયેલ સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમને કારણે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતા કેરીના પાકને નુકસાન થવાનું પણ ખેડૂતો વિચારી રહ્યા છે. તો કેરી મોંઘી થવાના એંધાણ પણ મળી રહ્યા છે.