ગુજરાતમાં કોરોનાની મહામારી પહોંચી ચૂકી છે. ગુજરાતમાં હાલ 14 પોઝિટિવ કેસ નોંધાયા છે. ગુરૂવારે બે અને શુક્રવારે સવારે ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા બાદ હાલમાં બપોર બાદ અમદાવાદમાં સાઉથ બોપલમાં રહેતાં એક યુવાન અને વડોદરામાં એકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 21 માર્ચના દિવસે જ 7 કેસ નોંધાયા હતા. જેને લઇને કોરોનાગ્રસ્ત દર્દીનો આંકડો કુલ 14 ઉપર પહોંચ્યો. 25 માર્ચ સુધી ગુજરાતના ચાર મોટા શહેરોમાં લૉકડાઉન જેવી સ્થિતિ રહેશે.
કોરોનાના કહેર વચ્ચે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. આવતીકાલથી 25 માર્ચ સુધી ચાર મહાનગરો બંધ રહેશે. રાજ્યમાં કોરોનાના 14 પોઝિટીવ કેસ નોંધાતા નિર્ણય લેવાયો છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સંપૂર્ણ પણે બંધ રહેશે. તબીબી સેવાઓ, શાકભાજી અને કરિયાણા જેવી જીવન જરુરી વસ્તુઓ સિવાય તમામ વેપાર બંધ રહેશે. મુખ્યમંત્રી નિવાસે મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે.
કચ્છમાં 59 વર્ષની મહિલાને કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો છે. મક્કા મદીનાથી પરત ફરેલી મહિલાને કોરોના પોઝિટીવ આવ્યો છે. મહિલાના સંપર્કમાં આવેલા લોકોનું પણ મેડિકલ ચેકઅપ થશે.
કોરોના વાયરસને લઇને રાજ્યના 4 અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપાઇ છે જેમાં અમદાવાદ-ગાંધીનગરની જવાબદારી પંકજ કુમાર, સુરત માટે કમિશનર ઓફ મ્યુનિ. એડમિનિસ્ટ્રેશન એમ.એસ.પટેલ તથા વડોદરા માટે શિક્ષણ સચિવ વિનોદ રાવ તથા રાજકોટ માટે ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તાને જવાબદારી સોંપાઇ છે.
રાજ્યના પડોશમાં આવેલા મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના શંકાસ્પદ અને કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે અને મહારાષ્ટ્રમાં કોરોના ને કારણે મોત પણ નોંધાઈ ચૂકયા છે. ત્યારે પડોશમાં આવેલું ગુજરાતનું તંત્ર એલર્ટ પર છે. અને મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતા તમામ નાકા અને ચેકપોસ્ટ પર આરોગ્ય વિભાગની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે.
અમદાવાદમાં કોરોનાને લઈને લેવાયા મહત્વના પગલા
- મેરેજ હોલ, લગ્ન વાડી, જિમ બંધ કરાયા.
- શહેરમાં ક્લબો, ગેમ ઝોન વોટર પાર્ક પણ બંધ.
- અમદાવાદની રાજપથ, કર્ણાવતી ક્લબ બંધ.
- બસસ્ટેન્ડ પર ખાનગી ટ્રાવેલ્સના મુસાફરોનું સ્ક્રીનિંગ ફરજીયાત.
- આજથી કાલુપુર રેલવે સ્ટેશન પર થર્મલ સ્ક્રિનિંગ કરાશે.
- શંકાસ્પદ લક્ષણો જણાય તો વહીવટી તંત્રને કરાશે જાણ.
- મુસાફરોનું મેડિકલ ચેક અપ કર્યાં બાદ 24 કલાક રાખશે ઓબ્ઝર્વેશનમાં.
- કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોની સંખ્યમાં ઘટાડો.
- અત્યાર સુધીમાં 26 ટ્રેનો રદ્દ કરાઈ.
- કોરોના વાયરસને કારણે 70% બુકીંગમાં ઘટાડો નોંધાયો.
- હવે મનપામાં થતી મીટીંગો ઓનલાઇન થશે.
- કોર્પોરેશન ઓફિસમાં મીટીંગો પર મુકાયો કાપ.
- મનપામાં જો મીટીંગ થશે તે ખુરશીઓ વચ્ચે 4 ફૂટનુ અંતર રખાશે.
- અનિવાર્ય હશે તો મીટીંગમાં સૌથી ઓછા સભ્યોની કરાશે મીટીંગ.
- ઈ-મેઈલ વિડીયો કોન્ફરસથી મીટીંગ કરવાનો લેવાયો નિર્ણય.
- મહારાષ્ટ્ર તરફની ST બસ સેવા કરાઈ રદ્દ.
- 31 માર્ચ બાદ પણ બસ સેવા રદ્દ કરાઈ શકે છે.