Vakri Shani 2024: વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર એક નિશ્ચિત સમય અવધિ પુરી કરીને બધા જ ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન કરે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર 30 જુન 2024 ના રોજ શનિ કુંભ રાશિમાં માર્ગીમાંથી વક્રી થશે. શનિ વક્રી થતાં રાશિ ચક્રની કેટલીક રાશિના લોકોના જીવનમાં ઉથલપાથલ સર્જાઈ શકે છે. કારણ કે શનિ જ્યારે વક્રી ચાલે છે તો તેનો અશુભ પ્રભાવ સૌથી વધારે કષ્ટ આપે છે.
ટુંક સમયમાં શનિ વક્રી થશે તેના કારણે 3 રાશિના લોકો માટે સંકટનો સમય પણ શરૂ થશે. 3 રાશિઓ માટે 15 નવેમ્બર સુધીનો સમય સંકટકારક રહી શકે છે. કારણકે શનિ 139 દિવસ એટલે કે 15 નવેમ્બર 2024 સુધી વક્રી રહેશે. જોકે આ સમય દરમિયાન કેટલાક ખાસ ઉપાય કરી લેવાથી શનિના દુષ્પ્રભાવોને ઘટાડી શકાય છે.
ક્યારે વક્રી થશે શનિ ?
જ્યોતિષ ગણાના અનુસાર 30 જુન 2024 ના રોજ રાત્રે 12.35 કલાકે શનિ કુંભ રાશિમાં વક્રી થશે. ત્યાર પછી 15 નવેમ્બર 2024 સુધી શનિ વક્રી અવસ્થામાં ચાલશે. આ સ્થિતિમાં કેટલીક રાશિના લોકોએ સંભાળીને રહેવું પડશે. તો ચાલો તમને જણાવીએ કઈ રાશિ માટે વક્રી શનિ ભારે છે અને તેના દુષ્પ્રભાવથી બચવા માટે શું કરવું ?
કઈ રાશિઓ માટે કષ્ટદાયક રહેશે શનિ ?
30 જૂનથી શનિદેવ વક્રી થશે જેનો પ્રભાવ 12 રાશિના જાતકોના જીવન પર જોવા મળશે. પરંતુ કેટલીક રાશિ એવી છે જેમના જીવનમાં 15 નવેમ્બર સુધી ભારે ઉથલપાથલ સર્જાઈ શકે છે. જે રાશિના લોકોને શનિનો દુષ્પ્રભાવ ભોગવવો પડશે તેમાં મેષ, વૃષભ, મકર રાશિનો સમાવેશ થાય છે. શનિની વક્રી અવસ્થામાં આ રાશિના લોકોને શારીરિક થાક, માનસિક અવસાદ, અનિંદ્રા, સાંધાના દુખાવા, ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. આ સમય દરમિયાન કાર્યમાં બાધા આવી શકે છે. જો કોઈ જૂની બીમારી હતી તો તે ફરીથી પરેશાન કરી શકે છે. શનિના આ પ્રભાવથી બચવું હોય તો કેટલાક સરળ ઉપાય કરી શકાય છે.
શનિ દોષથી મુક્તિ માટેના ઉપાય
– શનિવારનું વ્રત કરવું અને શનિ મંદિરે જઈને દર્શન કરવા. શનિવારના દિવસે શનિદેવને તેલ અને કાળા તલ અર્પણ કરવા.
– શનિના દુષ્પ્રભાવ થી બચવા માટે દર શનિવારે એક વાટકીમાં સરસવનું તેલ ભરી તેમાં પોતાનો ચહેરો જોઈ છાયાદાન કરવું.
– રોજ હનુમાન ચાલીસા અને શનિ ચાલીસાનો પાઠ કરવો. આ સિવાય શનિ મંત્રનો જાપ કરવો. નિયમિત પીપળાના ઝાડમાં જલ અર્પણ કરી શનિવારે સરસવના તેલનો દીવો કરવો.
– જો કુંડળીમાં શનિદોષ હોય તો શનિ વક્રી હોય તે દરમિયાન શનિ ગ્રહ શાંતીની પૂજા કરાવવી
– હનુમાનજીના ભક્તોને શનિદેવ ક્યારેય પરેશાન કરતા નથી. શનિવારના દિવસે હનુમાનજીની સામે ચમેલીના તેલનો દીવો કરવો અને સિંદૂર ચઢાવવું.
– શનિ ગ્રહની શાંતિ માટે રોજ 108 વખત રુદ્રાક્ષની માળાથી મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો.