Vastu Tips for Clock: વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંત અનુસાર જો ઘરમાં વસ્તુઓને રાખવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિ સતત વધતા રહે છે. વાસ્તુ અનુસાર જો દરેક વસ્તુને તેની યોગ્ય જગ્યાએ રાખવામાં આવે તો તે સકારાત્મક ઊર્જા પ્રવાહિત કરે છે અને જો તે ખોટી દિશામાં રાખેલી હોય તો તેનામાંથી નકારાત્મક ઉર્જા નીકળે છે જે ઘરમાં રહેનાર લોકોને નુકસાન કરે છે. આજે તમને ઘરમાં રહેલી આવી જ એક મહત્વની વસ્તુ અંગેનો વાસ્તુ નિયમ જણાવીએ. આ વસ્તુ દરેક ઘરમાં જોવા મળે છે. આ વસ્તુ એટલી મહત્વની છે કે તે યોગ્ય દિશામાં હોય તે વાત સુનિશ્ચિત કરવી જ જોઈએ.
જે વસ્તુની અહીં વાત થઈ રહી છે તે છે ઘડિયાળ. સમય દર્શાવતી ઘડિયાળ વાસ્તુ અનુસાર જ ઘરમાં લગાડવી જોઈએ. કારણ કે ઘડિયાળ વ્યક્તિનો સમય બદલી પણ શકે છે અને બગાડી પણ શકે છે. ઘડિયાળ દરેક ઘરમાં જોવા મળે છે પરંતુ મોટાભાગના લોકો એ વાત જાણતા નથી કે ઘડિયાળ રાખવાની યોગ્ય દિશા કઈ છે.
વાસ્તુ નિષ્ણાતો અનુસાર ઘરમાં ઘડિયાળને હંમેશા યોગ્ય દિશા અને યોગ્ય સ્થાન પર જ રાખવી જોઈએ.. સાથે જ કેટલાક પ્રકારની ઘડિયાળ ઘરમાં રાખવી પણ નહીં. દિવાલ પર લાગેલી ઘડિયાળ પણ ઘરમાં ઉર્જા પ્રવાહિત કરે છે. યોગ્ય દિશામાં રાખેલી ઘડિયાળ વ્યક્તિને કારકિર્દીમાં પ્રગતિ કરાવે છે અને ધનના આગમનના રસ્તા ખોલે છે. તેથી ખૂબ જ જરૂરી છે કે ઘરમાં ઘડિયાળ યોગ્ય દિશામાં રાખવામાં આવે.
ઘડિયાળ લગાડવાની યોગ્ય દિશા કઈ ?
ઘરમાં ઘડિયાળ લગાડવી હોય તો તેના માટે ઉત્તર દિશાને સૌથી ઉત્તમ માનવામાં આવે છે. આ દિશા ધનના દેવતા કુબેરની દિશા છે. વાસ્તુ અનુસાર જો તમે આ દિશામાં ઘડિયાળ લગાડો છો તો સુખ સમૃદ્ધિ વધે છે અને આર્થિક સ્થિતિ સુધરે છે. જો તમારે ઘરના લિવિંગ રૂમમાં ઘડિયાળ લગાડવી હોય તો લિવિંગ રૂમની ઉત્તર દિશાની દિવાલ પર તેને લગાડો. તેનાથી ઘરમાં રહેતા લોકોને પ્રગતિ થશે.
શાસ્ત્રો અનુસાર પૂર્વ દિશા દેવ રાજ ઇન્દ્રની દિશા છે. જો તમે આ દિશામાં ઘડિયાળ લગાડો છો તો સ્વાસ્થ્ય સુધરે છે. જો આ દિશામાં ઘડિયાળ લગાડવી હોય તો તેને બેડરૂમ અથવા તો સ્ટડી રૂમમાં લગાડો. તેનાથી શૈક્ષણિક સફળતા પણ પ્રાપ્ત થાય છે.
પશ્ચિમ દિશા જલના દેવતા વરુણ દેવને સમર્પિત છે. આ દિશામાં ઘડિયાળ લગાડવાથી કોઈ નુકસાન નથી થતું પરંતુ જો આ દિશામાં લગાડેલી ઘડિયાળ ખરાબ થઈ જાય અને તમે ખરાબ ઘડિયાળને દૂર ન કરવો તો શાંતિ અને સ્થિરતા બાધિત થાય છે.
કઈ દિશામાં ન રાખવી ઘડિયાળ ?
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘડિયાળને ક્યારેય દક્ષિણ દિશામાં લગાવી નહીં. આ દિશા યમની દિશા છે. આ દિશામાં ઘડિયાળ લગાડવી અશુભ રહે છે. જે વ્યક્તિના ઘરમાં આ દિશામાં ઘડિયાળ હોય તેને પડકારોનો સામનો કરવો પડે છે. આ સિવાય દક્ષિણ-પશ્ચિમ દિશામાં પણ ઘડિયાળ લગાડવાનું ટાળવું જોઈએ. તેનાથી સકારાત્મક ઉર્જા બાધિત થાય છે.