Vastu Tips: સોનુ અને ચાંદી દરેક સ્ત્રીની નબળાઈ હોય છે એવું કહેવાય છે. દરેક સ્ત્રીને માથાથી લઈને પગ સુધીના અંગો માટે દરેક પ્રકારના ઘરેણા સોના અને ચાંદીમાં જોઈતા હોય છે. આ સિવાય કેટલાક ખાસ અવસરે સોનાની ખરીદી શુભ પણ કહેવાય છે. તેથી લોકો સોના ચાંદીના ઘરેણા લેવાની સાથે નાની મોટી વસ્તુઓ શુકન તરીકે પણ લેતા હોય છે. આ પ્રકારની સોના ચાંદીની વસ્તુઓ અને ઘરેણાને રાખવાના પણ નિયમ હોય છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવાયું છે કે ઘરમાં સોનું ચાંદી કઈ જગ્યાએ રાખવું ઉત્તમ ગણાય છે. વાસ્તુશાસ્ત્રના આ નિયમનું પાલન કરવામાં આવે તો ઘરમાં સોનુ ચાંદી સતત વધતા રહે છે. કારણકે તેની પોઝિટિવ ઉર્જા વધારે સમૃદ્ધિને આકર્ષિત કરે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર સોના અને ચાંદીના ઘરેણાને જો યોગ્ય દિશામાં રાખવામાં આવે તો વ્યક્તિને ફાયદો જ ફાયદો થાય છે. તેનાથી વિરુદ્ધ જો આ ઘરેણા ખોટી દિશામાં રાખેલા હોય તો આર્થિક સમસ્યાઓનું કારણ બની જાય છે. આજે તમને જણાવીએ કે ઘરમાં રાખેલા સોના ચાંદીના ઘરેણા કઈ દિશામાં રાખવા જોઈએ અને કઈ દિશામાં નહીં.
સોનુ ચાંદી રાખવાના નિયમ
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દક્ષિણ દિશામાં સોના કે ચાંદીના ઘરેણા રાખવા નહીં. વાસ્તુ અનુસાર આ દિશા યમની દિશા કહેવાય છે. જો આ દિશામાં સોના ચાંદી કે કીમતી વસ્તુઓ રાખવામાં આવે તો ઘરમાં નકારાત્મકતા વધે છે. સાથે જ ધન લાભને બદલે ધનહાની થવા લાગે છે. દક્ષિણ દિશામાં સોના ચાંદી જેવી વસ્તુઓ રાખવાથી માતા લક્ષ્મી પણ રસાઈ જાય છે. આવા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થતો નથી.
સોના અને ચાંદીના ઘરેણા રાખ્યા હોય તે બોક્સ પણ તૂટેલું ન હોય તે વાતનું ધ્યાન રાખવું. દાગીના રાખવાનું બોક્સ પણ સારું હોય તે જરૂરી છે. આ સિવાય સોના અને ચાંદીના ઘરેણાને જે જગ્યાએ રાખો તેને થોડા થોડા દિવસે સાફ કરતા રહેવું.
ઘણા લોકો પૂજા ઘરમાં ઘરેણા રાખે છે. આમ કરવું પણ યોગ્ય નથી. મંદિરમાં તિજોરી રાખવામાં આવે તો આર્થિક સમસ્યા વધે છે. તેથી આ જગ્યાએ પણ સોના ચાંદી માટેની તિજોરી રાખવી નહીં
સોના ચાંદીના ઘરેણા માટેની યોગ્ય દિશા
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર-પશ્ચિમ દિશા ઘરેણા રાખવા માટે સૌથી શુભ છે. આ દિશા માતા લક્ષ્મી સંબંધિત છે. જો તમે આ દિશામાં ધન રાખો છો તો બરકત વધવા લાગે છે. સાથે જ ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે અને તેમના આશીર્વાદથી ધન સંબંધિત સમસ્યા દૂર થવા લાગે છે.
આ સિવાય ઘરની ઉત્તર દિશામાં પણ સોના ચાંદીને રાખી શકાય છે. આ દિશા કુબેર ભગવાનની દિશા છે જેનાથી પણ ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. પૂર્વ દિશામાં પણ ઘરેણા રાખી શકાય છે. તેનાથી કોઈ નુકસાન થતું નથી. જોકે સૌથી ઉત્તમ તો ઉત્તર પશ્ચિમ દિશા જ ગણાય છે.