દેશભરમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસના 100થી વધુ કેસ સામે આવ્યા છે. તો બે લોકોના મોત પણ થયા છે. કેન્દ્ર સરકાર તથા રાજ્યની સરકારો કોરોના વાયરસનો સામનો કરવા માટે અનેક પગલાંઓ લઈ રહી છે.
દેશના અનેક રાજ્યોમાં શાળા, કોલેજો, મોલ, સિનેમાઘરો બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે આજે ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે એક ઉચ્ચ સ્તરિય બેઠક યોજીને રાજ્યમાં આરોગ્યલક્ષી સ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં રાજ્યભરમાં 16 માર્ચથી 29 માર્ચ સુધી શાળા, કોલેજો અને સિનેમાઘર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કોરોના વાયરસના વ્યાપને રોકવા માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્યભરમાં 16 માર્ચથી 29 માર્ચ સુધી તમામ શાળા, કોલેજો અને સિનેમાઘરો બંધ રહેશે. આ સાથે તમામ સ્વીમિંગ પુલ પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં હાલ જે બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે તે યથાવત રહેશે.
ગુજરાતમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. કોરનોનાને લઈ જે પગલાં લેવામાં આવ્યાં છે તેની મુખ્યમંત્રીએ સમીક્ષા કરી છે તેવું રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમે જણાવ્યુ હતુ. એરપોર્ટ પર મુસાફરોનું સ્ક્રીનીગ કરવામાં આવી રહ્યું છે. સાથો સાથ ધોરણ 10 અને 12 ની પરીક્ષા પણ રાબેતા મુજબ ચાલુ રહેશે તેવું જણાવ્યુ હતુ. તો 31 મી માર્ચ સુધી શાળા કોલેજો બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. મોલ સિનેમાઘરો પણ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે.
તે સિવાય રાજ્ય સરકારે યોજાયેલી બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો કે, જે વ્યક્તિ રસ્તા પર કે જાહેર સ્થળે થુંકતા પકડાશે તો તેને 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ દંડ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા લેવામાં આવશે.