વિશ્વમાં ઘણા સુંદર અને દુર્લભ પક્ષીઓ વસવાટ કરતા હોય છે. ત્યારે હાલમાં ઈન્ટરનેટ પર સૌથી સુંદર પક્ષી વિશે ખૂબ બહોળા પ્રમાણમાં ચર્ચા થઈ રહી છે. આ પક્ષીને ઈશ્વરે અત્યંત અને અદભૂત સુંદરતા અર્પી છે. અને આ પક્ષીને વિશ્વનું સૌથી સેક્સીએટ પક્ષી તરીકેનું બિરુદ પણ મળ્યું છે.આ પક્ષી સેક્રેટરી બર્ડ તરીકે ઓળખાય છે.
પક્ષીનો દેખાવ ભલે આકર્ષક અને અદભૂત લાગે પરંતુ જ્યારે શિકાર અને સુરક્ષાની વાત આવે તો તેનાં જેવું ખૂંખાર પક્ષી બીજુ કોઈ નહી,આ પક્ષી આફ્રિકામાં જોવા મળે છે, તે પોતાનાં પગ દ્વારા સાંપને પણ મારવાની ક્ષમતા રાખે છે. તેની ઉંચાઈ 90થી 137 સેમી સુધી હોય છે.જ્યારે તેનું વજન પાંચ કિલો સુધી હોય છે.
સેક્રેટરી બર્ડ ઈસ્ટ આફ્રિકામાં જોવા મળતું પક્ષી છે. તે દેખાવમાં ઈસ્ટ આફ્રિકાના બીજાં પક્ષી કરતાં કદમાં મોટું છે. આ પક્ષી કોસ્ટ ઓફ આર્મસ, સાઉથ આફ્રિકા, ઈસ્ટ આફ્રિકા અને સુદાનના ઘાસના ખુલ્લા મેદાનમાં જોવા મળે છે. સેક્રેટરી બર્ડ સેજિટેરિડ ફેમિલીનું પક્ષી છે. સેક્રેટરી બર્ડનું નામ અરબી ભાષાના શબ્દ શર્ક-એત-તેઇર પરથી પાડવામાં આવ્યં છે. સેક્રેટરી બર્ડ હન્ટર બર્ડ તરીકે પણ ઓળખાય છે.આ પક્ષી બે પગે ઊભું હોય ત્યારે સેક્રેટરી જેવું દેખાય છે. તેની પીઠ પર કાળા લાંબા પીંછા અને લાંબા પગ પર અર્ધે સુધી કાળી રૂંવાટી હોય છે. તેની છટા પણ સેક્રેટરી ઊભા હોય તેવી એટલે જ તેનું નામ સેક્રેટરી બર્ડ પડયું.
સેક્રેટરી બર્ડ દેખાવમાં ઈગલ જેવું અને તેના પગ ક્રેન જેવા છે. પુખ્ત વયના સેક્રેટરી બર્ડનું વજન અંદાજે ૪.૬ કિલોગ્રામ હોય છે. તેની પાંખોની પોહળાઈ ૭૫ થી ૮૭ ઇંચની અને તેની પૂછડીની લંબાઈ ૨૨થી ૩૩ ઇંચ લાંબી હોય છે. તેની ગરદનની લંબાઈ બહુ હોતી નથી. તેના આખા શરીર પર સફેદ અને ગ્રે રંગનાં પીંછાં હોય છે. તેમજ તેની પૂછડી અને પગ પર કાળા રંગનાં પીંછાં હોય છે.
તેના દેખાવમાં સૌથી આકર્ષક બાબત તેના માથા પરની કલગી છે, જેમાં કાળા, સફેદ અને ભૂરા રંગનાં નાનાં-મોટાં પીંછાં હોય છે. જે દૂરથી જોતાં એવું લાગે કે પીંછાંનો નાનો તાજ તેના માથા પર કોઈએ પહેરાવ્યો છે. તેની આંખની આસપાસ કેસરી રંગની ચામડી અને ચાંચની બહારની તરફ પીળા રંગની આઉટલાઇન હોય છે. તેની ચાંચ લાંબી અને આગળની તરફથી વળેલી હોય છે.
સેક્રેટરી બર્ડ ગીચ જંગલમાં રહેવાનું પસંદ કરતું નથી. તે મોટેભાગે ઘાસનાં ખુલ્લાં મેદાનોમાં જોવા મળે છે.સેક્રેટરી બર્ડ આહારમાં ગરોળી, કરચલા, મંગૂસ, ઉંદર, સાપ અને કાચબા ખાવાનું પસંદ કરે છે. મોટેભાગે નર અને માદા બંને સાથે મળીને શિકાર કરે છે. સેક્રેટરી બર્ડ ૧૫થી ૨૦ ફૂટ ઊંચા ઝાડ પર માળો બાંધે છે. તેનો માળો અંદાજે આઠ ફૂટ પહોળો હોય છે.
સેક્રેટરી બર્ડને કુદરતે સાપનો શિકાર કરવાની ખાસ પદ્ધતિ આપી છે. ઝડપથી વાંકીચૂકી ચાલે સરકતા સાપને પકડવો સરળ નથી પરંતુ સેક્રેટરી બર્ડ ચપળતાથી તેને પકડી લે છે. વળી સાપને પકડતી વખતે તેના ગળા ઉપરના પીંછા ફેલાવે છે એટલે સાપ તેને ડંખ મારી શકતો નથી.