કોરોનાવાઇરસના વધી રહેલા પ્રકોપને લીધે બોલિવૂડમાં પણ અંધાધૂંધીનો માહોલ સર્જાયો છે. સમગ્ર કેરળ, દિલ્હી, બિહાર, જમ્મુ ઉપરાંત મહારાષ્ટ્રનાં પણ મુંબઈ સહિત નવી મુંબઈ, થાણે, પુણે, પિંપરી-ચિંચવડ અને નાગપુરમાં પણ થિયેટરો બંધ કરી દેવાયાં છે.
સિનેમાઘરો બંધ રહેશે એટલે નવી ફિલ્મો રિલીઝ નહીં થાય અને ફિલ્મ ઉદ્યોગ પર આર્થિક સંકટ આવશે. જો આખો માર્ચ મહિને આવું રહ્યું તો એવું નહીં થાય કે 31 માર્ચે થિયેટરો ખૂલે અને પહેલી કે બીજી એપ્રિલથી લોકો થિયેટરોમાં આવવા માંડશે. તેમનાં મનમાંથી કોરોના વાઈરસનો ડર દૂર થતાં બીજો મહિનો લાગી જશે. આવી સ્થિતિનાં ઘણાં દૂરગામી પરિણામો ભોગવવાં પડશે.
‘સૂર્યવંશી’ અને ‘83’ જેવી મોટી ફિલ્મોની રિલીઝ ડેટ એપ્રિલને બદલે મે-જૂન સુધી પાછી ઠેલાઈ ગઈ છે. જૂનમાં ઈદ આવશે એટલે મોટી ફિલ્મોની ટક્કર વધશે. યાને કે સ્થિતિ એવી સર્જાઈ રહી છે કે તમામ મોટા સ્ટાર્સ અને બેનર્સે મળીને પોતાની રિલીઝ ડેટ્સનું શું કરવું છે તે નક્કી કરવું પડશે. જે રીતે ‘જેમ્સ બોન્ડ’ની નવી ફિલ્મની રિલીઝ સીધી નવેમ્બર પર શિફ્ટ કરી દેવાઈ, તેવી સ્થિતિ ભારતીય ફિલ્મોમાં પણ સર્જાઈ રહી છે.
આ સ્થિતિમાં સ્ટાર્સ, સુપરસ્ટાર સૌ કોઈ અડફેટે આવી રહ્યા છે. 10 એપ્રિલ પછી અમિતાભ બચ્ચન, જાહ્નવી કપૂરની નવી ફિલ્મોનું લાઈનઅપ રિલીઝ માટે તૈયાર છે. મે મહિનાના પહેલા અઠવાડિયામાં વરુણ ધવનની ‘કૂલી નંબર વન’ અને પછી અમિતાભ બચ્ચનની ‘ઝુંડ’ આવવાની છે. ત્યાર બાદ 22 મેના રોજ સલમાન ખાનની ‘રાધે’ અને અક્ષય કુમારની ‘લક્ષ્મી બોમ્બ’ની રિલીઝ ડેટ છે. ત્યાર પછી 5 જૂનના રોજ જાહ્નવી કપૂર-રાજકુમાર રાવની ‘રૂહી અફઝાના’ આવવાની છે. પરિણામે આ મોટી ફિલ્મો ક્યારે રિલીઝ થશે તેનો કોઈ રસ્તો કાઢ્યા વિના છૂટકો નથી. નુકસાનની વાત કરીએ તો ભારતનાં થિયેટરોને દર અઠવાડિયે લગભગ 50 કરોડ રૂપિયાનું નુકસાન થવાનું છે.
ઈરફાન ખાન સ્ટારર ‘અંગ્રેઝી મીડિયમ’ને એકલા દિલ્હી શહેરમાંથી જ ત્રણથી છ કરોડનું નુકસાન થઈ રહ્યું છે. ત્યાંની જાણીતી સિનેમા ચેઈન ‘ડિલાઈટ’ના જનરલ મેનેજર આર. કે. મલ્હોત્રા જણાવે છે કે, ‘અમારી તમામ એડવર્ટાઈઝમેન્ટ અને કન્ટેન્ટ પ્રોવાઈડર્સને મોટું નુકસાન થઈ રહ્યું છે. થિયેટરમાં લોકો ન આવતાં મૉલના ફૂટફોલ પર પણ અસર પડી છે. ગુરુવાર પહેલાં સુધી એકલા ડિલાઈટમાં જ 80 ટકા સુધીની ઓક્યુપન્સી હતી. અંગ્રેઝી મીડિયમ પાંચ શૉમાં રિલીઝ થવાની હતી. અમારાં બે થિયેટરોનાં સ્ક્રીન્સ માટે 600 ટિકિટોનું એડવાન્સ બુકિંગ પણ થઈ ગયેલું. આ સ્થિતિમાં તમે દિલ્હીનાં 152 સ્ક્રીન્સની ગણતરી કરો તો માત્ર દિલ્હી શહેરમાં જ અંગ્રેઝી મીડિયમ ફિલ્મને એક ઝાટકે ત્રણ કરોડનું નુકસાન છે.
રાજસ્થાનમાં શૂટ થયેલી અંગ્રેઝી મીડિયમના હોમ સ્ટેટમાં બપોરે ત્રણ વાગ્યા સુધી માત્ર 15-18 ટકા જ ઓક્યુપન્સી હતી. સમગ્ર રાજસ્થાનમાં 250થી વધારે સ્ક્રીન છે.