ફાગણ પૂનમના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે,અને બીજા દિવસે મંગળવારે હોળી રમવામાં આવે છે.આ વર્ષે ગુરૂ અને શનિનો એક દુર્લભ સંયોગ બની રહ્યો છે. આ સંયોગ 499 વર્ષ બાદ બની રહ્યો છે. હોળીએ આ બંને ગ્રહો પોત-પોતાની રાશિમાં રહેશે.
ગુરૂ પોતાની ધન રાશિમાં અને શનિ પણ પોતાની જ રાશિ મકરમાં રહેશે. આ પહેલાં આ બંને ગ્રહોનો આવો યોગ 3 માર્ચ 1521ના રોજ બન્યો હતો, ત્યારે પણ આ બંને ગ્રહ પોત-પોતાની રાશિમાં જ હતાં. ગ્રહોના આ યોગમાં હોળી આવવાથી તે શુભફળ આપનારી રહેશે. દર વર્ષે જ્યારે સૂર્ય કુંભ રાશિમાં અને ચંદ્ર સિંહ રાશિમાં હોય છે, ત્યારે હોળી ઉજવવામાં આવે છે.
હોળીએ ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. પ્રાચીન સમયમાં ફાગણ મહિનાની પૂનમે પ્રહલાદનું જીવન વિષ્ણુ ભક્તિના કારણે જ બચ્યું હતું. ત્યારથી દર વર્ષે ફાગણ પૂનમે હોલિકા દહન સાથે જ વિષ્ણુ પૂજન કરવાની પરંપરા પ્રચલિત છે. વિષ્ણુજી સાથે જ મહાલક્ષ્મીજીની પ્રતિમા પણ રાખો. ભગવાનને કેસર મિશ્રિત દૂધથી અભિષેક કરો. પીળા ચમકદાર વસ્ત્ર ચઢાવો. મીઠાઈનો ભોગ ધરાવો અને ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો.
આ વર્ષે ગુરૂ પોતાની રાશિ ધનમાં રહેશે. હોળીએ ગુરૂ ગ્રહ માટે ચણાની દાળનું દાન કરો. શિવજીને ચણાના લોટના લાડવાનો ભોગ ધરાવો. પીળા વસ્ત્ર અને કેળાનું દાન કરો.શનિ માટે આ દિવસે ૐ શં શનૈશ્વરાય નમઃ મંત્રનો જાપ ઓછામાં ઓછો 108વાર કરો. શિવલિંગ ઉપર કાળા તલ ચઢાવો. કોઇ ગરીબને કાળા અડદનું દાન કરો.
હોલિકા દહન પહેલાં હોલિકાની વિધિવત પૂજા કરો. પરિક્રમા કરો. અનાજ, નારિયેળ વગેરે વસ્તુઓ ચઢાવો.