ઘર બનાવવા માટે સિમેન્ટ, રેતી, ઈંટ અને પાણીનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ શું તમે સાંભળ્યું છે કે ઘીથી મંદિર બનાવવામાં આવ્યું હોય? તમને આશ્ચર્ય થશે પણ બીકાનેરના એક મંદિરની આ અનોખી વાસ્તવિકતા છે. બીકાનેર વિશ્વ વિખ્યાત ભાંડા શાહ જૈન મંદિરનો પાયો ઘીથી બનાવવામાં આવ્યો હતો.
આ મંદિરના નિર્માણની શરૂઆત 1468માં ભાંડાશાહ નામના ઉદ્યોગપતિ દ્વારા કરવામાં આવી હતી. મંદિરનું નિર્માણ તેમની પુત્રી દ્વારા 1541 માં પૂર્ણ થયું હતું. ભાંડાશાહના નામ પરથી મંદિરનું નામ પડ્યું છે. 108 ફૂટ ઉંચા જૈન મંદિરમાં પાંચમા તીર્થંકર ભગવાન સુમતિનાથજી મૂળ વેદી પર બિરાજમાન છે.
આ મંદિર ત્રણ માળમાં વહેંચાયેલું છે અને લાલ રેતીના પત્થરો અને આરસથી બનેલું છે. આ મંદિરની અંદરની સજાવટ ખૂબ જ સુંદર છે. તેમાં મથેરણ અને ઉસ્તા કલાની ભવ્ય કામગીરી કરવામાં આવી છે. આ મંદિરની અંદરનાં ભીંતચિત્રો અને શિલ્પો પણ ખૂબ રસપ્રદ છે.
મંદિરના ફ્લોર, છત, સ્તંભ અને દિવાલોને શિલ્પ અને ચિત્રોથી શણગારવામાં આવી છે. મંદિરના 500 વર્ષ પૂરા થવા પર પોસ્ટ વિભાગ દ્વારા વિશેષ કવર જારી કરાયું હતું. સ્થાનિક કલાકારો દ્વારા બનાવાયેલા આ ચિત્રો અને સ્થાપત્ય કળા આકર્ષક છે. આ મંદિરના નિર્માણમાં 40 હજાર કિલોગ્રામ ઘીનો થયેલો ઉપયોગ આને વિશેષ બનાવે છે.
જાણો મંદિરના નિર્માણ પાછળની રસપ્રદ વાર્તા
ઇતિહાસકાર ડો.શિવકુમાર ભનોટ કહે છે કે જ્યારે શેઠ ભાંડાશાહ મંદિરના નિર્માણ અંગે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે એક માખી ઘીમાં પડી ગઈ. શેઠે તે માખીને ઘીમાંથી બહાર કાઢી અને નિચોવીને ફેંકી દીધી.
આ પ્રસંગે નજીક ઉભેલી વ્યક્તિએ ટોણો માર્યો કે જે શેઠ ઘીમાં પડેલી માખીને પણ નીચોવીને ફેંકે છે તે મંદિર શું બનાવશે? આ ટોણાંને ગંભીરતાથી લઇને શેઠ ભાંડાશાહે મંદિરના પાયામાં 40 હજાર કિલો ઘીનો ઉપયોગ કર્યો. મંદિરના નિર્માતાને ‘મખ્ખીચુસ’ કહીને સંબોધાતા તેમણે 40 હજાર કિલો ઘી વાપર્યું છે. મદિરના તમામ ભાગો ઉપર થયેલી છે સુંદર કળાગીરી જોવા મળે છે..