દરિયામાં ઊછળતી – કૂદતી ડોલ્ફિન જોવાનો આનંદ માણવા માંગતા લોકો ગોવા અને આંદામાન – નિકોબારની સફર ખેડતા હોય છે, પણ હવે ગુજરાતીઓએ એટલે દૂર સુધી જવાની જરૃર નથી. ગુજરાતમાં જ સૌરાષ્ટ્રમાં બેટ દ્વારકામાં જ ડોલ્ફિન જોવાનો આનંદ માણી શકશો. કૃત્રિમ રીતે નહી પણ કુદરતી રીતે જ અહીંના દરિયામાં ડોલ્ફિનના ઝુંડ જોવા મળે છે તે જોઈ સૌ કોઈ ઝૂમી ઊઠે છે. આવો જાણીએ ક્યાં આવેલું છે આ સ્થળ..
બેટ દ્વારકા – ડન્ની પોઈન્ટ નજીકના ટાપુ પાસે તમે ડોલ્ફિન જોવાનો ભરપૂર આનંદ માણી શકશો. અહીંના દરિયામાં એકસાથે પચ્ચીસેક ડોલ્ફિન માછલીનું ઝુંડ પણ જોવા મળે છે અને આ વાતની ખુબ ઓછા લોકોને જાણ છે કે ગુજરાતમાં પણ આવું સ્થળ આવેલું છે..અને ત્યાં જઈ ડોલ્ફિન જોઈ લોકો આનંદથી ઊછળી ઊઠે છે.
સૌરાષ્ટ્રના દરિયા કિનારે ડોલ્ફિન જોવાનો આનંદ લઈ શકાય છે અને તે પણ ખૂબ ઓછા ખર્ચે, તે બહુ ઓછા લોકો જાણે છે. ગુજરાતમાં ચાર સાઈટ ખૂબ જાણીતી છે. તેમાં નરારા, પીરોટન, પોશીત્રા અને ડન્ની પોઈન્ટ. માત્ર જામનગર જિલ્લાની જ વાત કરીએ તો 42 જેટલા ટાપુઓ આવેલા છે. તેમાં દ્વારકાની નજીકમાં જ 22 જેટલા ટાપુઓ છે.
દરિયાઈ જીવ સૃષ્ટિના અભ્યાસ માટે દરિયાઈ જીવ સૃષ્ટિને જોવાનો શોખ રાખતા લોકો માટે અને તેનો અભ્યાસ કરનારા માટે જામનગર અને દ્વારકા ફેવરિટ છે. દરિયાઈ જીવ સૃષ્ટિના જતન માટે સરકારે 1982ના મરિન નેશનલ પાર્ક જામનગર જિલ્લામાં જાહેર કર્યો છે. કુદરતી રીતે જ બેટ દ્વારકા નજીકનો દરિયો ડોલ્ફિન માછલીને અનુકૂળ હોવાથી આ સાઈટ પર ડોલ્ફિન મોટા પ્રમાણમાં જોવા મળે છે.
પ્રવાસો કરતી અનેક સંસ્થાઓ ખાસ કરીને શિયાળાની ઋતુ શરૃ થાય ત્યારે બેટ દ્વારકા અને ડન્ની પોઈન્ટ ટાપુનો પ્રવાસ ગોઠવતી હોય છે. મોટા ભાગે બે – ત્રણ દિવસના પ્રવાસમાં જ આ દરિયાઈ જીવ સૃષ્ટિ જોવાનો ભરપૂર આનંદ લઈ શકાય છે.
દ્વારકા એ પ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર છે. દેશભરમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો દ્વારકા આવતા હોય છે. દ્વારકાધીશનાં દર્શનની સાથે દરિયાઈ જીવ સૃષ્ટિને નિહાળવાનો આનંદ લઈ શકાય છે. દ્વારકાથી ત્રીસેક કિ.મી. રોડ રસ્તે ઓખા પહોંચી શકાય છે. ઓખા રોડ અને રેલવે રસ્તે આસાનીથી જઈ શકાય છે. ઓખાથી મોટી ફેરી બોટમાં બેસીને બેટ દ્વારકા જવું પડે છે. બેટ દ્વારકામાં હોટલો અને રહેવા-જમવાની સુવિધાઓ મળી રહે છે. ત્યાં કેમ્પ પણ કરવામાં આવે છે.
ઓખા બેટથી નજીકમાં હનુમાન દાંડી નામની એક જગ્યા આવે છે. અહીં મરિન કેમ્પ કરવામાં આવે છે. દ્વારકાધીશનાં દર્શને આવનારા યાત્રિકોમાંથી મોટા ભાગના બેટ દ્વારકા જતા હોય છે. બેટ દ્વારકાથી નાની હોડીમાં બેસીને ડન્ની પોઈન્ટ કે નજીકના દરિયાઈ વિસ્તારમાં જઈ શકાય છે.. આ સ્થળે સ્થાનિક બોટવાળાને ખ્યાલ જ હોય છે કે ડોલ્ફિન જોવી હોય તો દરિયામાં કઈ તરફ જવું પડશે. નાની બોટ ભાડે કરીને પ્રવાસીઓ બેટ દ્વારકાથી ઉપર કચ્છના અખાત તરફ મોટા ભાગે જતા હોય છે. ડન્ની પોઈન્ટ એક ખુબ જ સરસ ટાપુ છે.
ખાસ કરીને શિયાળામાં નવેમ્બરથી ફ્રેબ્રુઆરી દરમિયાન લીલી અને સેવાળ ન હોય એટલે આ સિઝનમાં વધુ પ્રવાસીઓ અહીં આવે છે. અહીં દરિયો છીછરો હોવાથી ડોલ્ફિન મેટિંગ પિરિયડમાં આવે છે. ડોલ્ફિન જો દરિયામાં આગળ ઊંડા પાણીમાં બચ્ચા મુકે તો શાર્ક કે વ્હેલ માછલી તેને ખાઈ જાય તેવી ભીતિ હોવાથી ડોલ્ફિન મેટિંગ પિરિયડમાં બેટ દ્વારકા તરફના દરિયામાં આવે છે.
આ સ્થળે જયારે સ્થાનિક લોકો બોટ પરથી જ મોટેથી સંગીત વગાડવાનું કે અવાજો કરવાનું શરુ કરે ત્યારે સંગીતનો અવાજ સાંભળીને ડોલ્ફિન દરિયાના પાણીમાંથી ઊછળીને બહાર આવે છે જેમ સંગીતથી ઝાડ-પાનને અસર થાય છે અને પ્રકૃતિ ખીલી ઊઠે છે તેમ સંગીતની સીધી અસર દરિયાઈ જીવ સૃષ્ટિ પર પણ થાય છે. પાણીની અંદર રહેલી ડોલ્ફિન ફિશ પણ અવાજ સાંભળતા જ તે દરિયાની બહાર નીકળે છે. બેટ દ્વારકા નજીકના ટાપુઓ આસપાસ એક સર્વે કરવામાં આવ્યો હતો. તેના તારણ મુજબ આશરે એક હજાર જેટલી ડોલ્ફિન ફિશ આ દરિયાઈ એરિયામાં છે. સૌરાષ્ટ્રના દરિયાકિનારા પર સૌથી વધુ ડોલ્ફિન દ્વારકાના દરિયાની નજીક જ જોવા મળે છે.
ગોવા કે આંદામાન-નિકોબારમાં ડોલ્ફિન જોવા જવું ખૂબ મોંઘું પડે છે. ત્યાં હોડીમાં દરિયામાં જવાનો એક વ્યક્તિની ટિકિટનો ખર્ચ રૃ. ૯૦૦ જેટલો થાય છે. આ ઉપરાંત હોટલના ભાડા – જમવાનો ખર્ચ અને આવવા – જવાનો ભાડાનો ખર્ચ પણ ખૂબ ઊંચો આવે છે. તેની સરખામણીમાં સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી બેટ દ્વારકા સુધી જવાનો ખર્ચ ખૂબ ઓછો છે. ગોવા કે આંદામાનના પ્રવાસ કરતાં એવરેજ ૭૦થી ૮૦ ટકા ઓછો ખર્ચ બેટ દ્વારકાની ટૂરનો થાય છે. ઓછા સમયમાં અને ઓછા ખર્ચે દરિયાઈ જીવ સૃષ્ટિ જોવાનો અદ્ભુત લહાવો માણી શકાય છે.
આ વિસ્તારમાં કેટલાક ટાપુ પર જવા માટે સરકારી મંજૂરી લેવી પડે છે એટલે આ અંગે અગાઉથી જાણકારી મેળવી લેવી જોઈએ. આ વ્યૂહાત્મક અને સંવેદનશીલ દરિયા કિનારો હોવાથી સ્થિતિને સમજીને આગળ પ્રવાસ કરવો જોઈએ.