ગુજરાતીઓ એટલે હરવા-ફરવાના શોખીન. જન્માષ્ટમી વેકેશન હોય કે દિવાળી વેકેશન અમો ગુજરાતીઓ ફરવાનો એક મોકો છોડવા માંગતા નથી. જો કે હવે તો જાણે કે એક ટ્રેન્ડ થયો છે કે, ફરવું હોય તો વિદેશમાં જ. હનીમુન વિદેશમાં અને વેકેશન પણ. તમને જાણીને નવાઈ લાગશે કે થાઈલેન્ડનું અર્થતંત્ર કૈક અંશે ભારતીય પર્યટકને આભારી છે. ફાઈનાન્સીયલ ટાઈમ્સના રીપોર્ટ અનુસાર આ વર્ષે ફ્રાંસને પણ પાછળ છોડીને થાઈલેન્ડ વિદેશી પર્યટકો પાસેથી સૌથી વધુ પૈસા કમાઈ રહ્યું છે અને થાઈલેન્ડમાં આવતા વિદેશી પર્યટકોમાં સૌથી વધુ સંખ્યા ભારતીયોની છે.
૨૦૧૭માં થાઈલેન્ડ ટુરિસ્ટ પાસેથી 58 અરબ ડોલર કમાયું હતું. આ વર્ષે 3.5 કરોડ ટુરિસ્ટ થાઈલેન્ડ આવી ચુક્યા છે. જો આ જ સ્થિતિ રહી તો ટૂંક સમયમાં થાઈલેન્ડ સ્પેનને પણ પાછળ છોડીને બીજું સ્થાન હાસિલ કરી શકે છે. હાલમાં થાઈલેન્ડ ત્રીજા ક્રમે છે જયારે અમેરિકા પ્રથમ ક્રમે. થાઈલેન્ડના જીડીપીમાં વિદેશી અને સ્થાનિક પર્યટકોનું યોગદાન 21.2% છે. ગત વર્ષે આશરે 14 લાખ ભારતીયોએ થાઈલેન્ડની સફર કરી હતી.
થાઈલેન્ડ શા માટે ભારતીય લોકોનું મનમાનીતું છે?
- નવી દિલ્હીથી થાઈલેન્ડની સફર માત્ર ચારથી પાંચ કલાકની થાય છે, અને જે ભારતીયો ફ્લાઈટમાં આ સફર કરે છે તેમના માટે બેંગકોક પહોચવું ઘણું સસ્તું પણ છે.
- આજે પણ માત્ર 8 થી 10 હજારમાં તમે બેંગકોક પહોચી શકો છો.
- નજીક અને વળી સસ્તું હોવાના કારણે થાઈલેન્ડ એ એક સારું અને રમણીય ડેસ્ટીનેશન કહી શકાય, વળી ભારતના મધ્યમવર્ગીય પરિવારને યુરોપ ટુર પોષાય તેમ નથી. આમ થાઈલેન્ડ ભારતીયોનું મનગમતો દેશ બની રહ્યો છે.
જો તમે થાઈલેન્ડ જઈ રહ્યા હો તો આ રહી જરૂરી બાબતો તમારા માટે:
- થાઈલેન્ડ અને ભારત બંને દેશો ધાર્મિક રીતે પણ જોડાયેલા છે. કેમકે થાઈલેન્ડવાસીઓ પણ બૌદ્ધ ધર્મનું પાલન કરે છે. જે ભારતીયો માટે અત્યંત નજીક છે.
- થાઈલેન્ડ દ્વારા તેની આસપાસના ઉપદ્રીપમાં પણ આરામથી હરી-ફરી શકાય છે. અને ભારતીયો ડીસેમ્બરથી જુલાઈ મહિના વચ્ચે થાઈલેન્ડ જવાનું વધુ પસંદ કરે છે.
- ભારતીયો માટે થાઈલેન્ડના વિઝા મેળવવા એ ખુબ સરળ છે, કેમકે તે ઓનલાઈન પણ મેળવી શકાય છે.
- ભારતમાં ખુબ ગરમી પડે છે, જ્યારે થાઈલેન્ડ પ્રમાણમાં ઠંડુ છે. તેનું મહતમ તાપમાન 33 ડીગ્રી રહે છે.
- થાઈલેન્ડનું સ્પાઈસી ફૂડ સ્વાદના શોખીનો માટે એક આકર્ષણ છે. થાઈલેન્ડ ટુરિસ્ટ વેબસાઈટ પ્રમાણે સેક્સની ચાહ રાખનાર ભારતીયો માટે થાઈલેન્ડ એક સ્વપ્ન સમાન છે.