તહેવારોની માંગને કારણે ઓક્ટોબરમાં પેસેન્જર વાહનોના જથ્થાબંધ વેચાણમાં રેકોર્ડ સ્તરે વધારો થયો છે. વાહન ઉત્પાદક કંપનીઓના સંગઠન એસોસિએશન ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM)એ શુક્રવારે જણાવ્યું હતું કે ગયા મહિને પેસેન્જર વાહનોનું જથ્થાબંધ વેચાણ 3,89,714 યુનિટ હતું.
વેચાણમાં 16 ટકાનો વધારો થયો છે
ગયા વર્ષના 3,36,339 યુનિટની સરખામણીએ આ 16 ટકાનો વધારો છે. પેસેન્જર વાહનોના હોલસેલ વેચાણની આ અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યા છે. કંપનીઓ દ્વારા ડીલરોને મોકલવામાં આવતા વાહનોને હોલસેલિંગ કહેવામાં આવે છે.
SIAM અનુસાર, કંપનીઓ દ્વારા ગયા મહિને 76,940 થ્રી-વ્હીલર ડીલરોને મોકલવામાં આવ્યા હતા, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 42 ટકા વધુ છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં 54,154 થ્રી-વ્હીલર ડીલરોને મોકલવામાં આવ્યા હતા.
ટુ વ્હીલરના વેચાણમાં 20 ટકાનો વધારો થયો છે
સિયામના પ્રમુખ વિનોદ અગ્રવાલનું કહેવું છે કે ઓક્ટોબરમાં અત્યાર સુધીમાં પેસેન્જર વાહનો અને થ્રી-વ્હીલરનું સૌથી વધુ વેચાણ થયું છે. સાથે જ ટુ-વ્હીલરનું વેચાણ પણ સારું રહ્યું છે. અગ્રવાલે જણાવ્યું હતું કે ત્રણેય શ્રેણીના વાહનોના જથ્થાબંધ વેચાણમાં બે આંકડામાં વૃદ્ધિ જોવા મળી છે.
આ વર્ષે ઓક્ટોબરમાં ટુ-વ્હીલરનું વેચાણ 20 ટકા વધીને 18,95,799 યુનિટ થયું છે, જે ગયા વર્ષના સમાન મહિનામાં 15,78,383 યુનિટ હતું. ગયા મહિને કુલ વાહનોનું વેચાણ 23,14,197 યુનિટ હતું, જે ઓક્ટોબર 2022માં 19,23,721 યુનિટ હતું.