જો તમે એરટેલ સિમ કાર્ડનો ઉપયોગ કરો છો, તો ટૂંક સમયમાં તમારે મોબાઇલ રિચાર્જ માટે વધુ પૈસા ખર્ચવા પડી શકે છે. કંપની 4G પ્લાનની કિંમતો વધારવા જઈ રહી છે.
દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની ભારતી એરટેલના મેનેજિંગ ડાયરેક્ટર ગોપાલ વિટ્ટલે જણાવ્યું હતું કે કંપની ગમે ત્યારે 4G પ્લાનની કિંમતોમાં વધારો કરી શકે છે. તેમણે કહ્યું કે એરટેલ ઝડપથી 5G શરૂ કરવાની દોડમાં નથી અને કંપની હાલમાં 5G માટે કોઈ વધારાનો ચાર્જ લેશે નહીં. એરટેલની જેમ, જિયોએ પણ તાજેતરમાં કહ્યું છે કે તે 5G પ્લાનની કિંમતમાં વધારો કરશે નહીં. આનો અર્થ એ છે કે ગ્રાહકોને વર્તમાન દરે હાઇ સ્પીડ 5G ઇન્ટરનેટ મળતું રહેશે.
ET ટેલિકોમના અહેવાલ અનુસાર, એરટેલના મેનેજિંગ ડિરેક્ટર ગોપાલ વિટ્ટલે જણાવ્યું હતું કે કંપનીએ સ્પર્ધાની પરવા કર્યા વિના ભૂતકાળમાં પણ એન્ટ્રી લેવલ પ્લાનની કિંમતોમાં નજીવો વધારો કર્યો છે. હવે ટૂંક સમયમાં તેને અન્ય યોજનાઓ માટે પણ લાગુ કરી શકાય છે. હાલમાં, કંપની આ પ્લાનની કિંમતોમાં કેટલો વધારો કરશે તે અંગેની માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ એ વાત ચોક્કસ છે કે દેશમાં 4G પ્લાનની કિંમતોમાં સૌથી પહેલા એરટેલ જ વધારો કરશે.
Jioની જેમ એરટેલ પણ સ્ટેન્ડઅલોન 5G નેટવર્ક પર સ્વિચ કરશે
રિલાયન્સ જિયોએ સ્ટેન્ડ અલોન ટેક્નોલોજી પર તેનું 5G નેટવર્ક લોન્ચ કર્યું છે. એટલે કે કંપનીએ આ માટે 4G નેટવર્કની મદદ લીધી નથી. જ્યારે એરટેલે નોન-સ્ટેન્ડ અલોન ટેક્નોલોજી પર 5G નેટવર્ક લોન્ચ કર્યું છે અને આ માટે કંપનીએ 4G LTE ના EPC (Evolved Packet Core) ને 5G ટાવરના નવા રેડિયો (NR) સાથે કનેક્ટ કર્યું છે. એટલે કે 4G ટાવરની મદદ લેવામાં આવી છે. ETના અહેવાલ મુજબ, એરટેલના મેનેજિંગ ડિરેક્ટર ગોપાલ વિટ્ટલે જણાવ્યું હતું કે, જરૂરિયાત અને ફાયદાઓને ધ્યાનમાં રાખીને કંપની સ્ટેન્ડઅલોન આર્કિટેક્ચર પર સ્વિચ કરશે. તેમણે એમ પણ કહ્યું કે એરટેલ બજાર અને ગ્રાહકોની જરૂરિયાતોથી એક ડગલું આગળ રહેશે, પરંતુ અન્ય ઓપરેટરોની જેમ સૌથી મોટા રોલઆઉટનો દાવો કરવા માટે બિનજરૂરી મૂડી ખર્ચશે નહીં.