હ્યુન્ડાઈ, ટાટા, મહિન્દ્રા… બધું જોતી રહી! આ કંપનીએ કર્યું આ કારનામું!
મારુતિ સુઝુકી માટે ઓક્ટોબર મહિનો ઘણો સારો રહ્યો છે. મારુતિ સુઝુકી ફરી એકવાર દેશની સૌથી મોટી કાર વેચનારી કંપની બની છે. આ સાથે મારુતિએ તેનો સૌથી વધુ માસિક વેચાણનો આંકડો પણ હાંસલ કર્યો છે. દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયાનું વેચાણ ઓક્ટોબરમાં વાર્ષિક ધોરણે 19 ટકા વધીને 1,99,217 યુનિટ્સ પર પહોંચી ગયું છે, જે કંપનીનો સૌથી વધુ માસિક વેચાણનો આંકડો છે. ગયા વર્ષે ઓક્ટોબર (2022)માં કંપનીએ 1,67,520 કાર વેચી હતી.
સ્થાનિક બજારમાં 1,77,266 યુનિટ વેચાયા
કંપનીએ જણાવ્યું હતું કે ઓક્ટોબરમાં સ્થાનિક બજારમાં તેનું વેચાણ 1,77,266 યુનિટ હતું, જે તેનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ આંકડો છે. ગયા વર્ષના સમાન સમયગાળામાં કંપનીનું સ્થાનિક વેચાણ 1,47,072 યુનિટ હતું. આ રીતે સ્થાનિક બજારમાં કંપનીના વેચાણમાં 21 ટકાનો વધારો થયો છે.
યુટિલિટી વ્હીકલ સેગમેન્ટમાં મોટો ઉછાળો
સ્થાનિક બજારમાં કંપનીનું પેસેન્જર વ્હિકલનું વેચાણ (કારનું વેચાણ) ઓક્ટોબર 2023માં વધીને 1,68,047 યુનિટ થયું હતું, જે એક વર્ષ અગાઉના સમાન મહિનામાં 1,40,337 યુનિટ હતું. યુટિલિટી વ્હીકલ સેગમેન્ટમાં કંપનીનું વેચાણ 91 ટકા વધીને 59,147 યુનિટ થયું છે, જે ઓક્ટોબર 2022માં 30,971 યુનિટ હતું. Brezza, Grand Vitara, Ertiga અને XL6 જેવા મોડલ આ સેગમેન્ટમાં આવે છે.
હ્યુન્ડાઈ, ટાટા, મહિન્દ્રા… બધા પાછળ
હ્યુન્ડાઈનું સ્થાનિક વેચાણ 15 ટકા વધીને 55,128 યુનિટ થયું છે જે ગયા વર્ષના સમાન મહિનામાં 48,001 યુનિટ હતું. તે જ સમયે, સ્થાનિક બજારમાં ટાટા મોટર્સનું પેસેન્જર વ્હિકલ સેગમેન્ટ (ઈલેક્ટ્રિક વાહનો સહિત)નું જથ્થાબંધ વેચાણ 7 ટકા વધીને 48,337 યુનિટ થયું છે, જે ગયા વર્ષે ઓક્ટોબરમાં 45,217 યુનિટ હતું. આ સિવાય મહિન્દ્રાના યુટિલિટી વ્હિકલનું જથ્થાબંધ વેચાણ વાર્ષિક ધોરણે 36 ટકા વધીને 43,708 યુનિટ થયું છે, જે ગયા વર્ષે ઓક્ટોબરમાં 32,226 યુનિટ હતું.