India Real Estate Q3 2023: કોરોના મહામારી બાદથી દેશમાં મકાનો અને ફ્લેટનું વેચાણ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટર વચ્ચે પ્રથમ વખત રૂ. 1 કરોડથી વધુ કિંમતના મોંઘા ઘરોનું વેચાણ રૂ. 50 લાખથી નીચેની કિંમતના ઘરોને વટાવી ગયું હતું. નાઈટ ફ્રેન્ક દ્વારા બહાર પાડવામાં આવેલા ‘ઈન્ડિયા રિયલ એસ્ટેટ Q3 2023’ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં આ ત્રિમાસિક ગાળામાં 82,612 એકમોના વેચાણ સાથે વેચાયેલા ઘરોની સંખ્યા છ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. આ આંકડો ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં વેચાયેલા 73,691 એકમો કરતાં 12 ટકા વધુ છે.
છ વર્ષની ઊંચી સપાટીએ ત્રિમાસિક વેચાણ
નાઈટ ફ્રેન્કના જણાવ્યા અનુસાર સૌથી વધુ વેચાણ રૂ. 50 લાખથી રૂ. 1 કરોડની વચ્ચેના મકાનોનું હતું. ક્વાર્ટર દરમિયાન 29,827 યુનિટના વેચાણ સાથે આ સેગમેન્ટનો બજાર હિસ્સો 36 ટકા રહ્યો હતો. આ સેગમેન્ટમાં વેચાણ વાર્ષિક ધોરણે 14 ટકા વધીને 29,827 યુનિટ થયું છે. નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ આંકડો મહત્વપૂર્ણ છે કારણ કે ત્રિમાસિક વેચાણ છ વર્ષની ટોચે છે.
દિલ્હી-NCRમાં વેચાણમાં 27 ટકાનો વધારો થયો છે
ડેટા અનુસાર, જુલાઈ-સપ્ટેમ્બર દરમિયાન મુંબઈમાં ઘરનું વેચાણ ચાર ટકા વધીને 22,308 યુનિટ થયું હતું, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 21,450 યુનિટ હતું. આ સમયગાળા દરમિયાન દિલ્હી-એનસીઆરમાં હાઉસિંગનું વેચાણ 11,014 યુનિટથી 27 ટકા વધીને 13,981 યુનિટ થયું છે. બેંગલુરુમાં રેસિડેન્શિયલ પ્રોપર્ટીનું વેચાણ 13,013 યુનિટથી વધીને 13,169 યુનિટ થયું છે. જ્યારે પુણેમાં વેચાણ 10,899 યુનિટથી 20 ટકા વધીને 13,079 યુનિટ થયું છે.
હૈદરાબાદમાં ઘરનું વેચાણ 7,900 યુનિટથી પાંચ ટકા વધીને 8,325 યુનિટ થયું છે. અમદાવાદમાં તે 3,887 યુનિટથી છ ટકા વધીને 4,108 યુનિટ થયું છે. ચેન્નાઈમાં વેચાણ 3,685 યુનિટથી પાંચ ટકા વધીને 3,870 યુનિટ થયું છે, જ્યારે કોલકાતામાં વેચાણ 1,843 યુનિટથી બમણાથી વધુ વધીને 3,772 યુનિટ થયું છે. નાઈટ ફ્રેન્કે જણાવ્યું હતું કે, ‘માગને અનુરૂપ તમામ બજારોમાં વાર્ષિક ધોરણે ઘરની કિંમતોમાં પણ વધારો થયો છે.’