દેશની આઝાદી હોય કે પછી ક્રિકેટનું મેદાન કે પછી ઉદ્યોગ ક્ષેત્ર દરેક ક્ષેત્રે ગુજરાતીઓનો ફાળો ક્યાંકને ક્યાંક રહ્યો છે. ત્યારે મૂળ ગુજરાતી અને બ્રિટેનના ગૃહ મંત્રી રહી ચુકેલ પ્રીતિ પટેલે બ્રિટેનની સામાન્ય ચુંટણીમાં જીત મેળવી છે…
બ્રિટેનની સામાન્ય ચુંટણીમાં ફરી એકવાર કન્ઝર્વેટિવ પાર્ટીની સરકાર રચાઈ છે અને બોરિસ જોન્સન ફરી એકવાર બ્રિટેનના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. આ સાથે જ ગુજરાતી મૂળના કંઝરર્વેટિવ પાર્ટીના નેતા અને બ્રિટનના ગૃહમંત્રી પ્રીતિ પટેલે પણ ધમાકેદાર જીત મેળવી છે…પાર્ટીની જીત બાદ પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે જીત્યા બાદ સરકાર સૌપ્રથમ બ્રેક્ઝિટ ડીલ પૂર્ણ કરવાનું કામ કરશે, તે નાતાલ અગાઉ પણ થઇ શકે છે. પ્રીતિ પટેલને વિથામ સીટ પર 66%થી વધુ મત મળ્યા છે. વિથામ સીટ પર પ્રીતિ પટેલની આ સતત ચોથી જીત છે. તેમણે લેબર પાર્ટીના માર્ટીન એડોબોર અને લિબરલ ડેમોક્રેટ્સ સેમ નાર્થને હરાવ્યા છે. આ ઉપરાંત કેમ્બ્રિજશાયર નોર્થ વેસ્ટ સીટ પર ગુજરાતી શૈલેષ વારાનો પણ વિજય થયો હતો, તેમણે કુલ મતમાંથી 62.5 ટકા મત મળ્યા હતા. યુકેની સામાન્ય ચૂંટણીમાં અલગ-અલગ પાર્ટીમાંથી ભારતીય મૂળનાં 15 ઉમેદવારો સંસદમાં ચૂંટાયાં છે…
પીએમ મોદીના છે સમર્થક
પ્રીતિ પટેલ ગુજરાતી છે અને તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થક છે. તેઓ બ્રિટનમાં ભારતીય સમુદાયના તમામ કાર્યક્રમમાં પીએમ મોદી સાથે હાજરી આપે છે. પૂર્વ બ્રિટિશ પીએમ ડેવિડ કેમરને તેમને વડાપ્રધાન મોદીના લંડન પ્રવાસનો પ્રભાર સોંપ્યો હતો. લંડનમાં ભારતીય સમુદાયની વચ્ચે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થક તરીકે પણ લોકપ્રિય છે. પ્રીતિ બ્રિટેનમાં ભારતીય મૂળના લોકોના બધા મોટા કાર્યક્રમોમાં અતિથિ હોય છે.
કોણ છે પ્રીતિ પટેલ ?
પ્રીતિ પટેલ 2010થી સાંસદ છે. તેઓ ડેવિડ કેમરૂન સરકારમાં રોજગાર પ્રધાન હતા. તેમના માતા-પિતા ગુજરાતી છે. તેઓ યુગાંડાથી ઈંગ્લેન્ડ આવી ગયા હતા. 47 વર્ષની પ્રીતિનો જન્મ લંડનમાં થયો હતો અને ત્યાં જ ઉછેર થયો છે. તેના માતા-પિતા ગુજરાતના વતની છે, જેઓ યુગાન્ડા જઈને વસ્યા હતા. અને 1960ના દાયકામાં તેઓ બ્રિટનમાં આવીને વસી ગયા હતા….બે વર્ષ પહેલા એક વિવાદને પગલે પ્રીતિ પટેલને થેરેસા મેની સરકારમાંથી રાજીનામું આપવુ પડ્યું હતુ. જેનું કારણ એ હતું કે, 2017માં પ્રીતિએ ઇઝરાયેલના અધિકારીઓ સાથે ગુપ્ત બેઠક કરીને રાજકીય પ્રોટોકોલનુ ઉલ્લંઘન કર્યું હતું, જે પછી આંતરરાષ્ટ્રિય વિકાસમંત્રીના પદ પરથી તેમણે રાજીનામું આપ્યું હતું.