ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના ક્રિકેટ કરીયરમાં ખૂબ જ ઓછા સમયમાં વધુ પ્રશંસા મેળવી છે. જેના કારણે વિરાટ કોહલી કરોડો ફેન્સના દિલમાં રાજ કરી રહયો છે. પરંતુ વિરાટની કોહલીની આ વિરાટ હરણ ફાળ પાછળની શું છે સ્ટોરી આવો જાણીએ વન ઈન્ડિયાના બર્થ ડે સ્પેશિયલ એપિસોડમાં
વિરાટ કોહલીનો જન્મ 5 નવેમ્બર 1988માં દિલ્હીના પંજાબી પરિવારમાં થયો હતા. વિરાટ કોહલીના પિતાનું નામ પ્રેમ કોહલી છે. તેમની માતાનું નામ સરોજ કોહલી છે. દિલ્હીમાં જન્મેલા અને ઉછરેલા, કોહલીએ 2006 માં પ્રથમ-ક્લાસમાં પ્રવેશ કર્યા પછી વિવિધ વય જૂથ સ્તરોમાં શહેરની ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે મલેશિયામાં 2008 ના અંડર -19 વર્લ્ડકપમાં ભારતને વિજય અપાવ્યો હતો અને થોડા મહિનાઓ બાદ, 19 વર્ષની ઉંમરે શ્રીલંકા સામે ભારત માટે તેની એક દિવસીય કારકિર્દીની શરૂઆત થઈ હતી. શરૂઆતમાં ભારતીય ટીમમાં અનામત બેટ્સમેન તરીકે રમ્યો હતો, ત્યારબાદ ટૂંક સમયમાં તેણે મધ્ય-ઑર્ડરમાં પોતાની જાતને પ્રસ્થાપિત કરી હતી.
જે બાદ ધોનીના નેતૃત્વમાં 2011 ના વર્લ્ડ કપમાં પણ તેને સ્થાન મળ્યું હતું જેમાં ભારતીય ટીમનો વિજય થયો હતો. 2013 માં પ્રથમ વખત વનડે બેટ્સમેનોની આઈસીસી રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યા બાદ આઈ.સી.સી. ટ્વેન્ટી 20 ફોર્મેટમાં પણ તેણે સફળતા મેળવી અને આઇસીસી વર્લ્ડ ટ્વેન્ટી ટ્વેન્ટી ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ સિરીઝની ટ્રોફી પોતાના નામે કરી હતી. 2014 માં, તે આઈસીસી રેન્કિંગમાં પ્રથમ ક્રમાંકે ટી 20 બેટ્સમેન બન્યો હતો. વર્તમાનમાં ફેબ્રુઆરી 2018માં વિશ્વમાં ત્રીજો ક્રમાંક ધરાવે છે. ઓક્ટોબર 2017 થી તે વન ડે આઈસીસી રેન્કિંગ માં પણ ટોચનું સ્થાન ધરાવે છે અને વિશ્વમાં બીજા ક્રમાંકનો ટેસ્ટ બેટ્સમેન છે.
2012 માં વન-ડે ટીમના વાઇસ-કેપ્ટન તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને 2014 માં મહેન્દ્રસિંહ ધોનીની ટેસ્ટ નિવૃત્તિ પછી ટેસ્ટ કપ્તાની આપવામાં આવી હતી. 2017 ની શરૂઆતમાં તે મર્યાદિત ઓવરનો કેપ્ટન બન્યો હતો અને ધોની કપ્તાનપદ પરથી નીકળી ગયો હતો. વનડેમાં, કોહલીએ વન ડે માં સચિન તેંડુલકર બાદ બીજા નંબરે સૌથી વધારે 35 સદીઓ ફટકારેલી છે.કોહલીએ સૌથી વધુ ઝડપી વન-ડે સદી સહિત અનેક ભારતીય બેટિંગ રેકોર્ડ્સ પોતાના નામે કર્યા છે, જેમાં 5000 રન કરનાર સૌથી ઝડપી બેટ્સમેન અને સૌથી ઝડપી 10 વન-ડે સદી ફટકારવાનો રેકોર્ડ સામેલ છે. તે ચેઝ કરવામાં સૌથી વધુ સદીઓ ફટકારવાનો વિશ્વરેકોર્ડ ધરાવે છે. વિશ્વનો તે માત્ર બીજો બેટ્સમેન છે,કે જેણે સતત ચાર કેલેન્ડર વર્ષોમાં 1,000 કે તેથી વધુ વનડે રન કર્યા હોય. આઇસીસી ના ટી -20 વર્લ્ડ રેકોર્ડ્સમાં તે સૌથી ઝડપી 1000 રન , સૌથી વધુ અર્ધસદી અને કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન વગેરે રેકોર્ડસ ધરાવે છે.