કોફી દુનિયાનું સૌથી લોકપ્રિય પીણું છે. કોફીના શોખીન મોટાભાગના લોકો દિવસમાં ત્રણ-ચાર કપ કે તેથી વધુ કપ કોફી ગટગટાવી જાય છે. કોફી પીવાના આમ તો ઘણા ફાયદા રહેલા છે. લંડનની કોવેન્ટ્રી યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલાં રિસર્ચ મુજબ કોફી પીવાથી સ્પોર્ટ પરફોર્મન્સ વધારી શકાય છે. ‘ન્યૂટ્રિશન’ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં આ રિસર્ચમાં 38 વોલન્ટિયર્સને સામેલ કરવામાં આવ્યા હતા. આ તમામ લોકો પર કોફી પીવાથી સાયકલિંગ કરવાની ક્ષમતાનું અવલોકન કરવામાં આવ્યું. રિસર્ચમાં સામેલ લોકોને કેફેન આપતા પહેલાં 12 કલાક સુધી કોફી ન પીવા માટે કહેવામાં આવ્યું. ત્યારબાદ 5 કિલોમીટરનો 1 સાયકલિંગ ટ્રાયલ કરવામાં આવ્યો. આ રિસર્ચમાં જોવા મળ્યું કે 3mg.kg-1 કોફી પીવાથી અન્ય ફિટનેસ દવાની સરખામણીએ વોલન્ટિયર્સ 9 સેક્ન્ડ વધારે સાયકલિંગ કરી શક્યા. પ્લેસેબોની સરખામણીએ કોફી પીવાથી સ્પોર્ટ પર્ફોમન્સમાં વધારો જોવા મળે છે. ડો. નીલની આગેવાની હેઠળ કરવામાં આવેલાં રિસર્ચમાં એમ પણ પુરવાર થયું છે કે કોફીથી સ્પોર્ટ પરફોર્મન્સમાં વૃદ્ધિ સાથે તે શારીરિક વિકાસ કરવામાં પણ મદદરૂપ બને છે. કોફીમાં કેફેન, અને પોલિફેનોલ્સ જેવાં તત્વો રહેલાં છે, જે કાર્ડિયોવાસ્ક્યુલર રોગોનું જોખમ ઘટાડે છે.